
- રાજપુરાના લોકોએ ડમ્પરોમાંથી માટી ઉડતા અને પૂરઝડપે હંકારાતા હોવાથી વિરોધ કર્યો,
- ગ્રામજનોની ફરિયાદ બાદ પોલીસે તળાવનું ખોદકામ અટકાવી દીધું,
- કોન્ટ્રાક્ટરે મ્યુનિ, કમિશનરને કરી રજુઆત
વડોદરાઃ શહેરના આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન તળાવમાંથી નીકળતી માટીનું ડમ્પરો દ્વારા વહન કરવામાં આવે છે. માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં આવતા ન હોવાથી જ્યારે ડમ્પરો પૂર ઝડપે દોડતા હોય ત્યારે માટી ઉડતી હોવાથી આજપબાજુના રહિશો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે અચાનક રાજપુરા ગામના કેટલાક લોકોએ વિરોધ કરી આ વિસ્તારમાંથી ડમ્પરો પસાર થવા જોઈએ નહીં તેવી માંગણી કરી પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક માટી ખોદકામનું કામ અટકાવી દેતા વિવાદ સર્જાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ સર્જાતિ હોય છે તે ખાળવા માટે રાજ્ય સરકારે તજજ્ઞોની સમિતિ બનાવી અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાથે અન્ય તળાવ ઊંડા કરવા તેમજ દેણા ગામ ખાતે બફર લેક ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજવા સરોવરમાંથી માટી ખોદકામની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી પૂરજોશમાં ચાલી રહી છે. લોક ભાગીદારી અંતર્ગત 11 જેટલી એજન્સીઓ દ્વારા માટી ખોદકામ થઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે અચાનક રાજપુરા ગામના કેટલાક લોકોએ ત્યાંથી પસાર થતી માટી ભરેલી ટ્રકોનો વિરોધ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઈ માટી ખોદકામની કામગીરી અટકાવી દીધી હતી. જેથી લોક ભાગીદારીથી કામ કરતી 11 એજન્સીઓએ પોલીસને અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સમજાવટ થઈ નથી જેથી આજવા સરોવર ઊંડું કરવાની કામગીરી પર બ્રેક લાગી ગઈ છે.
આ અંગે કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી હતી કે, રાજપુરા ગામના કેટલાક લોકો દ્વારા સરકાર અને પાલિકાનાં સંયુક્ત વિશ્વામિત્રી પ્રોજેકટ અંતર્ગત પ્રતાપપુરા સરોવર ખોદકામ ચાલુ હતું. ત્યારે રાજપુરા ગામની સ્કૂલ અને R&B ના સરકારી રસ્તા પરથી ડમ્પરો જવા જોઈએ નહીં તેવી ફરિયાદ કરી હોવાથી જરોદ પોલીસ સ્ટેશન દ્વારા માટી ખોદકામની કામગીરી અટકાવી હતી. તે તદ્દન ગેરકાયદેસર રાષ્ટ્રહિત જનહિત વિરુદ્ધ સરકારની કામગીરીમાં દખલ કરવી કૃત્ય ગણાય, રાજપુરા ગામનાં સરપંચ, તાલુકા પંચાયત સભ્ય કે અન્ય શિક્ષિત ગ્રામજનો દ્વારા વિરોધ ન હોવા છતાં કેટલાક અસંતુષ્ટ તત્વો દ્વારા પોલીસ ફરિયાદ કરતા જરોદ પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી અટકાવી છે.