
- 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક
- ગુજરાતનું ડોકલાવ આયુષ્માન આરોગ્ય મંદિર બન્યું દેશનું પ્રથમNQAS પ્રમાણિત કેન્દ્ર
- રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર
ગાંધીનગરઃ જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત થઈ ચૂક્યા છે, જે આરોગ્ય ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. આ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મૂળભૂત આરોગ્યસંભાળ સાથે આવશ્યક રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેથી દરેક નાગરિકને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકે.
આ આયુષ્માન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્ય કરે છે, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં નાગરિકોને તેમના ઘરની નજીક ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડે છે.
ગુજરાતમાં કાર્યરત 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 1484 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 7717 પેટા આરોગ્ય કેન્દ્રો, 417 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 670 શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને સુલભ બનાવી રહ્યા છે.
ખાસ તો, મહીસાગર જિલ્લાનું ડોકલાવ પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્માન આરોગ્ય મંદિર) તાજેતરમાં દેશનું પ્રથમ NQAS પ્રમાણિત આરોગ્ય મંદિર બન્યું છે, જે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત નેશનલ ક્વૉલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) એ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે અને તેને વધુ સારી બનાવવા માટે કાર્યરત છે.
66,900થી વધુ આયુષ્માન આરોગ્ય શિબિરોમાં 38.46 લાખથી વધુ લોકોને મળ્યા સ્વાસ્થ્ય લાભ
નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં આયુષ્માન આરોગ્ય મંદિરો હેઠળ કુલ 66,900થી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 38.46 લાખથી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિરોમાં પેટા આરોગ્ય કેન્દ્રો પર 59,900થી વધુ શિબિરોમાં 33.20 લાખ લોકોને સેવાઓ મળી હતી, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 7,010 શિબિરોમાં 5.25 લાખથી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.