
- અમદાવાદ મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી
- આરોપી સરકારી જગ્યામાં ભોંયરૂ બનાવીને દારૂનું વેચાણ કરતો હતો
- મકાન તોડવા અગાઉ એએમસીએ નોટિસ આપી હતી
અમદાવાદઃ રાજ્યમાં બુટલેટરો, અસામાજિક તત્વો સામે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. જેમાં બુટલેગરો અને માથાભારે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસ દ્વારા પાસાનું હથિયાર ઉગામવામાં આવી રહ્યું છે. જ્યારે વહિવટી તંત્ર દ્વારા આવા તત્વોના ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મુઠિયા ગામ નજીક એક બુટલેગરનું બે માળના મકાન પર મ્યુનિએ બુલડોઝર ફેરવીને તોડી પડાયુ હતું. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા શહેરમાં ગુનાઈત પ્રવૃત્તિઓ કરનારા ઈસમોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાં મુઠીયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગરના ગેરકાયદે મકાન પર આજે તોડી પાડવામાં આવ્યુ હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બે માળના મકાનને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના નરોડા વિસ્તારમાં મૂઠિયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકી નામનો બુટલેગર રહે છે. આરોપી અગાઉ દારૂ અને પોલીસ ઉપર હુમલા જેવા ગંભીર બનાવોમાં ઝડપાઈ ચુક્યો છે. આરોપીએ બે માળનું ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું અને સરકારી જગ્યામાં ભોંયરું બનાવીને દારૂનું વેચાણ કરતો હતો.
એએમસીના એસ્ટેટ વિભાગની બે ટીમો અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇ અને 20થી વધારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. એએમસીના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ અંગે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હી, છતાં પણ આરોપીએ પોતાનું મકાન તોડ્યું નહોતું. પોલીસે આરોપીના ગેરકાયદેસર બાંધકામને તોડવાને લઈને બંદોબસ્ત આપતા એએમસીના એસ્ટેટ વિભાગની ટીમે તેનું બાંધકામ તોડી પાડ્યું છે. આરોપીએ બે માળનું આલિશાન મકાન બનાવી દીધું હતું. જેને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.