1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે
અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે

અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે

0
Social Share
  • 925 મીટર લાંબો ઓવરબ્રિજ 116 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે
  • ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 18મી મેએ લોકાર્પણ કરાશે
  • ઓવરબ્રિજની બન્ને સાઈડ લાઈટના 99 પોલ ઊભા કરાયા

અમદાવાદઃ શહેરના 132 ફુટ રિંગ રોડ પરના અંકુર ચાર રસ્તા પર 116 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જતા આગામી 18મી મેને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ નવનિર્મિત ઓવરબ્રિજ પર લાઈટ માટે 99 પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમજ બ્રિજનું રંગ-રોગાનનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજ વાહનો માટે રવિવારથી ચાલુ થતા વાહનચાલકોને રાહત થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 18 મેના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.  ત્યારે શાહના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના નારણપુરા વિસ્તારમાં 132 ફુટના રિંગ રોડ પર રૂ. 116 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાને પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકો, વાનહચાલકોને લાભ થશે.

આ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પલ્લવ ચાર રસ્તા જંકશન અને પ્રગતિનગર જંકશન ઉપર બી.આર.ટી.એસ.ને સમાંતર સ્પલીટ ફલાય ઓવરબ્રિજ બનાવવા અજય ઈન્ફ્રાકોનને કોન્ટ્રાકટ અપાયો હતો.ઘાટલોડીયા બાજુ બ્રિજની લંબાઈ 935 મીટર તથા અંકુર બાજુ 931 મીટર લંબાઈ છે. બંને સ્પલીટ બ્રિજની  પહોળાઈ સરેરાશ 8.40 મીટર છે.બંને તરફના બ્રિજ ઉપર 99 સ્ટ્રીટ લાઈટના પોલ નાંખવામાં આવ્યા છે. બ્રિજના લોકાર્પણથી નારણપુરા એઈસી સહિતના વિસ્તારમાં આવેલ સ્કૂલ,વાણિજય એકમો તેમજ બી.આર.ટી.એસ.રૂટ તરફ જતા યાત્રીઓ મળીને 1.50 લાખ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.  અમિતભાઈ શાહના હસ્તે શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવશે તેમજ હાઉસિંગ પ્રોજેક્ટના ડ્રો અને મકાન ફાળવવા અંગેના કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સપ્તાહના અંતમાં પોતાના સંસદીય મત વિસ્તાર અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહના હસ્તે ગાંધીનગર મ્યુનિ. અને ગુડા દ્વારા હાથ પર લેવાયેલા અંદાજે 1100 કરોડ રૂપિયાના વિકાસ કામોનું પણ લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. વાવોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વિકાસના કામોનું લોકાર્પણ થશે. અમિત શાહ આ સ્થળે જાહેર સભાને સંબોધન પણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code