
- સામાન્ય બોલાચાલીમાં પૂત્ર ઉશ્કેરાયો હતો
- પોલીસમાંથી નિવૃત થયેલા પિતાની દીકરાએ હત્યા કરી
- પોલીસે હત્યા કેસમાં 27 વર્ષીય પૂત્રની કરી ધરપકડ
લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં પારિવારિક ઝઘડાએ દીકરાએ પિતાની હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોટાખાનપુર ગામે સોમાભાઈ માલીવાડ રહે છે. તેમના પરિવારમાં સામાન્ય બાલાચાલી બાદ ઉશ્કેરાયેલા પુત્રએ તેના પિતા સોમાભાઈ પર બોલેરો જીપ ચડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને આરોપી પૂત્રની પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, સોમાભાઈ માલીવાડ અમદાવાદ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પોલીસકર્મી હતા. નિવૃતિ બાદ સોમાભાઈ પરિવાર સાથે તેમના વતન મોટાખાનપુર ગામમાં રહેતા હતા. નજીવી વાતે પરિવારમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ સોમાભાઈને પૂત્ર ઉશ્કેરાઈ ગયો હતો, સોમાભાઈ ઝઘડો શાંત પડે તે માટે ઘરની બહાર જતા રહ્યા હતા. તે દરમિયાન તેના પૂત્રએ બોલેરો જીપ લઈને પાછળથી સોમાભાઈને અડફેટમાં લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ અંગે ફરિયાદી સાંકળીબેન સોમાભાઈ માલીવાડના જણાવ્યા અનુસાર, તેમના પતિ સોમાભાઈ સરદારભાઈ માલીવાડ (ઉ.વ. 63) સાથે ગત તા. 22/05/2025ના રોજ રાત્રે ગ્રહશાંતિ પ્રસંગે જવા બાબતે પારિવારીક ઝઘડો થયો હતો. આ બોલાચાલીમાં સાંકળીબેન અને તેમના પુત્ર કાંતિભાઈની પત્ની લીલાબેન પણ શામેલ હતા. જોકે, સાંકળીબેન ગ્રહશાંતિમાં ગયા ન હતા, પરંતુ લીલાબેન પરિવાર સાથે ગયા હતા. ગઈકાલે સવારે, તા. 23/05ના રોજ, સાંકળીબેનના નણંદ અમરીબેન તેમના ઘરે આવ્યા હતા અને તેઓ પાછા જવા નીકળ્યા ત્યારે સાંકળીબેન, લીલાબેન, રમીલાબેન અને રૂખીબેન તેમને વળાવવા માટે નીકળ્યા. આ દરમિયાન, સાંકળીબેનના પતિ સોમાભાઈ માલીવાડ ફરીથી રાત્રે થયેલી બોલાચાલી બાબતે બધાને ગમે તેમ બોલવા લાગ્યા હતા. આથી આરોપી પુત્ર બાબુભાઈ સોમાભાઈ માલીવાડ (ઉ.વ. 27)એ તેમના પિતાને ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને ઝઘડો થયો હતો. પરિવારના અન્ય સભ્યોએ તેમને છૂટા પાડ્યા હતા. ઝઘડા બાદ સોમાભાઈ ઘરથી થોડે દૂર કાચા રસ્તા તરફ ચાલતા ગયા હતા. આ સમયે, પુત્ર બાબુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા અને “આજે તો તને જીવતો છોડવો નથી” તેમ કહી, તેમના ઘરની આગળ ઉભેલી બોલેરો ગાડી નંબર GJ-02-BH-3684 ચાલુ કરી અને પૂરપાટ ઝડપે નીકળ્યો અને રસ્તા નજીક ઝાડ પાસે ઉભેલા પિતા સોમાભાઈ પર બાબુભાઈએ ગાડી ચડાવી દીધી હતી. ગાડી ચડાવતા જ આસપાસના લોકો અને પરિવારજનો બુમાબુમ કરતા દોડી ગયા હતા. તેમણે જોયું તો સોમાભાઈને બંને પગના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક સોમાભાઈને ખાનગી વાહનમાં સારવાર માટે મોડાસા લઈ જવાની તૈયારી કરવામાં આવી, પરંતુ વડાગામ પહોંચતા જ આશરે સવારે દસ વાગ્યાના સુમારે સોમાભાઈનું રસ્તામાં જ કરુણ મૃત્યુ થયું. ત્યારબાદ, પરિવારજનો તેમના મૃતદેહને લઈને ઘરે પાછા ફર્યા અને સગાંસંબંધીઓને જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પૂત્ર બાબુભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.