
- પરિણામના 20 દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે
- કાલે સોમવારે માર્કશીટ શાળાઓને પહોચતી કરી દેવાશે
- વિદ્યાર્થીઓએ પોતાની શાળાઓમાંથી માર્કશીટ મેળવવાની રહેશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયાને 20 દિવસ બાદ તા. 27મી મેને મંગળવારથી વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓની માર્કશીટ કાલે તા. 26મી, સોમવારે શાળાઓમાં પહોંચતી કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને માર્કશીટ, પ્રમાણપત્ર, એસઆર, એનરોલ સર્ટી આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. પણ પરિમામને બે સપ્તાહ વિત્યા છતાંયે માર્કશીટ ન અપાતા વિદ્યાર્થીઓને ધોરણ 11 તેમજ ડિપ્લોમાંમાં પ્રવેશ માટે મુશ્કેલી પડતી હતી. પરિણામના 20 દિવસ બાદ હવે તા. 27મી મેને મંગળવારે વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં નવી નવી બાબતો ચાલુ વર્ષે બની રહી છે. તેમાં પ્રથમ વખત ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઇટ ઉપર સવારે 10-30 કલાક પછી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત 8મી, મે-2025ના રોજ શિક્ષણ બોર્ડે વેબસાઇટ ઉપર ધોરણ-10નું બોર્ડ પરિણામ પ્રસિદ્ધ કર્યુ હતું. પરંતું માર્કશીટ આપવામાં આવી નહી હોવાથી વીસ દિવસ પછી 27મી, મંગળવારના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ સહિતનું સાહિત્ય શાળાઓમાંથી આપવામાં આવશે. તેના માટે શિક્ષણ બોર્ડની ઓફિસમાંથી ધોરણ-10ની માર્કશીટ આજે રવિવારે રાજ્યભરના તમામ જિલ્લાઓના વિતરણ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે. જિલ્લા શિક્ષાણાધિકારી કચેરીમાં કાલે શાળાઓએ તાનો મુખત્યારપત્ર રજુ કરીને પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ મેળવી લેશે. ત્યારબાદ ધોરણ-10ના વિદ્યાર્થીઓને 27મી, મંગળવારથી શાળાઓમાં માર્કશીટનું વિતરણ કરાશે.