1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ પર સાયબર એટેક, ડેટા ચોરાયાની આશંકા
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ પર સાયબર એટેક, ડેટા ચોરાયાની આશંકા

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ પર સાયબર એટેક, ડેટા ચોરાયાની આશંકા

0
Social Share
  • સાયબર સિક્યોરિટીની અલગ-અલગ 3 ટીમે તપાસ આદરી,
  • ​​​​​​​400 જીબીથી વધુ ડેટા ચોરાયાની શક્યતા,
  • ઓપરેશન સિંદૂરના દિવસે સર્વરમાં શંકાસ્પદ જોડાણ ધ્યાનમાં આવ્યું હતું

રાજકોટઃ કાશમીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની જીઆઇએસ વેબસાઇટ સાયબર એટેકનો ભોગ બની હતી. આ સાયબર એટેકમાં મ્યુનિની શાળાઓ, તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો, ઉદ્યોગ ગૃહો, શૌચાલયો સહિતની લાખો મિલકતોના ડેટાની ચોરી થયાની આશંકા સેવાઇ રહી છે. બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમ જીઆઇએસ વેબસાઇટને આઇસોલેટ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજીબાજુ જીઆઇએસનો ડેટા બેથી ત્રણ દિવસમાં હવે રિમોટ થઇ જશે તેવો આશાવાદ મ્યુનિના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ  ઓપરેશન સિંદૂરના દિવસે આરએમસીની જીઆઇએસ વેબસાઇટના સર્વરમાં શંકાસ્પદ જોડાણ થયાનું ધ્યાનમાં આવ્યું હતું. જીઆઈએસનું સર્વર ધીમું પડતાં તાત્કાલિક ધોરણે બીએસએનએલની ટીમને બોલાવીને આ સર્વર આઇસોલેટ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ એક મહિનાથી જીઆઇએસ સર્વર લોકો માટે બંધ હાલતમાં છે. તેમાંથી કોઇ ડેટા લીક થયો છે કે કેમ તે અંગે બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમ સહિત 3 અલગ-અલગ ટીમ તપાસ કરી રહી છે અને હાલમાં આ એજન્સીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડેટા લીક થયો છે કે કેમ તે કહી શકાય તેમ નથી. જોકે હજુ સુધી કોઇ નાણાકીય માગણી થઇ નથી. બીએસએનએલ દ્વારા આ તપાસ પીડબલ્યુસીએ (મુંબઇ), એમનેક્સ (અમદાવાદ) અને એડીએસએલ (મુંબઇ) મારફત કરાવવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, આરએમસીનો ડેટા હેક થયાની શંકા 8મીએ ગયા બાદ તાત્કાલિક ધોરણે તેને આઇસોલેટ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે, 400 જીબીનો ડેટા લીક થયો છે. છતાં મ્યુનિના અધિકારીઓ સબ સલામત હોવાનું કહી રહ્યા છે. પાકિસ્તાન સાથે યુદ્ધ ટાંકણે કેન્દ્ર સરકારે સરકારી વિભાગોને ડેટા લીક ન થાય તેની તકેદારી રાખવા ગાઇડલાઇન જારી કરી હતી જેનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 2019માં જીઆઇએસ તૈયાર કરવા પાછળ રૂ.6 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. જેમાં રાજકોટ શહેરના 18 વોર્ડ વિસ્તારની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો, મનપાના શૌચાલયો, સરકારી શાળાઓ, કોલેજો, શહેરના તમામ બ્રિજ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, બેન્કો, સરકારી તથા ખાનગી દવાખાના, ખાનગી મિલકતો સહિતની 6 લાખ જેટલી મિલકતો અક્ષાંશ રેખાંશ સાથે સેટેલાઇટ ઇમેજ તૈયાર કરવામાં આવી હતી. જે ડેટા હેક થયાની આશંકા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code