 
                                    - રાતના સમયે ફુડ ડિલિવરી કરીને બાઈકચાલક જઈ રહ્યો હતો,
- ગટરમાં કેમિકલ સહિત ગંદુપાણી હોવાથી યુવાનનું મોત નિપજ્યુ,
- જવાબદારો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોએ માગ કરી
સુરતઃ શહેરમાં હજીરા વિસ્તારમાં ખૂલી ગટરમાં રાતના સમયે બાઈક ખાબકતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. બાઈકચાલક ફુડ ડિલિવરી બોય તરીકેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાતના સમયે ફુડ ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ પરની ખૂલ્લી ગટરમાં બાઈક ખાબક્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે. આ સાથે જ પરિવારજનો દ્વારા ખુલ્લી ગટર માટે જવાબદાર અધિકારીઓ અને ગટરમાં કેમિકલ નાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના કવાસ ખાતે રહેતો અને ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપનીમાં નોકરી કરતો યુવક રાતના ખુલ્લી ગટરમાં બાઈક સાથે ખાબક્યો હતો. બીજી તરફ મોડી રાત સુધી યુવક ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, 30 મેની સવારે સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં બાઈક સાથે યુવકનાં મૃતદેહને જોતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગનાં લાશ્કરોએ તાત્કાલિક યુવાનના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે રવાના કરવામાં આવ્યો હતો.
સુરત શહેરના કવાસમાં ધર્મનંદન સોસાયટી ખાતે રહેતા અને સ્વીગી કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી પતાવીને સુભાષચંદ્ર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન હજીરા ખાતે ઓએનજીસી કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં સુભાષચંદ્ર બાઈક સાથે ખાબક્યો હતો. ખુલ્લી ગટરમાં બાઈક સાથે પટકાતાં સુભાષચંદ્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં સુભાષચંદ્રનાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધવામાં આવી હતી. ભારે શોધખોળ બાદ પણ સુભાષચંદ્રની કોઈ ભાળ મળી ન હતી. સવારે ગટરમાં બાઈક સાથે યુવકને જોતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને કાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાયર વિભાગનાં લાશ્કરોએ તાત્કાલિક યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો. બાદમાં યુવકના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટ માર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ પીએમ રિપોર્ટનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

