
નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે આજથી પેસેન્જર ટ્રેન ભાડામાં સુધારો લાગુ કર્યો છે. નોન-AC મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. તેમના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને AC ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
મંત્રાલયે કહ્યું હતું કે, ઉપનગરીય સિંગલ મુસાફરી ભાડા અને માસિક સીઝન ટિકિટમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આજ પહેલા બુક કરાયેલી ટિકિટો પર ભાડામાં વધારો લાગુ થશે નહીં. રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ ચાર્જ અને અન્ય ચાર્જમાં કોઈ ફેરફાર થશે નહીં. ભાડામાં ફેરફાર રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત અને તેજસ જેવી ખાસ રેલ સેવાઓ પર પણ લાગુ થશે.
રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, આ પગલું રેલ ભાડાને તર્કસંગત બનાવવા અને મુસાફરોની સેવાઓ માટે ભંડોળ વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે.
હવે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના 8 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. અત્યારસુધી આ ચાર્ટ ફક્ત 4 કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવતો હતો. આનાથી મુસાફરોને વૈકલ્પિક મુસાફરી પસંદ કરવા અથવા ટિકિટ કન્ફર્મ ન થાય તો બીજી ટિકિટ બુક કરવા માટે વધુ સમય મળશે. તાજેતરમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.