1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરા શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા,
વડોદરા શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ  મુખ્ય માર્ગો પર પાણી ભરાયા,

વડોદરા શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા,

0
Social Share
  • ઉપરવાસમાં વરાસદને લીધે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફુટે પહોંચી,
  • એમ. જી. રોડ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવરના રોડ પર પાણી ભરાયા,
  • મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો

 

વડોદરાઃ શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં રોડ પર પાણી ભરાતા મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. શહેરમાં સતત બે કલાક સુધીમાં 37 મીમી વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઇ હતી.

વડોદરા શહેરમાં વરસાદને પગલે વડોદરા શહેરના એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા રેલવે સ્ટેશનનુ ગરનાળું ભરાઇ જતાં સયાજીગંજ અને અલકાપુરી વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો. રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને એક કિલોમીટર ફરીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી. ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતા.

ભારે વરસાદને કારણે બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓએ સલામતીના ભાગરૂપે નુકસાનીથી બચવા પોતાના સામાનને સલામત સ્થળે ખસેડી દીધો હતો. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને વિશ્વામિત્રી નદીની સપાટી શનિવારે બપોરે 4 કલાકે 12 ફૂટે પહોંચી ગઈ હતી. પૂર નિયંત્રણ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં 37 મીમી, પાદરા 24 મીમી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code