
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી બારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે, અને સાંજ સુધીમાં 103 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજે ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. પણ બન્ને જિલ્લામાં માત્ર વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.આજે તાપી, સુરત અને નર્મદા જિલ્લા સહિત 103 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ગઈ 16 જૂનથી વર્ષાઋતુનો પ્રારંભ થયો છે, અને 21 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 46.89 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.જોકે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન મેઘરાજાએ 153 તાલુકાઓમાં હાજરી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે મંગળવારે માત્ર બે જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લા માટે કોઈ એલર્ટ જાહેર કરાયું નથી.
હવામાન વિભાગ દ્વારા આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે. સોમવારે ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જળબંબાકાર સર્જાયો હતો, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. તેમજ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ વચ્ચે ખુલ્લી ગટરમાં એક બાઈક ચાલક ખાબક્યો હતો. જોકે, સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. ગોધરા શહેરના માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવું જોવા મળ્યું હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના લખતરમાં રહેંણાક મકાન ધરાશાયી થયું હતું. જ્યારે કચ્છમાં નદી-નાળાં છલકાયાં છે. ભુજમાં પાણી ભરવા જતાં ખાડામાં બે બહેનોના ડૂબી જવાથી મોત થયા હતા, કચ્છના માંડવીમાં રૂકમાવતી નદીમાં વીજપોલ ધરાશાયી હતો.
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે.