
- રાજકોટથી ઉડાન ભરતી ફલાઈટોમાં 50 ટકા બેઠકો ખાલી રહે છે,
- રજાઓ કે તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે,
- વિમાન દૂર્ઘટના બાદ ઘણા પ્રવાસીઓ ફ્લાઈટ્સમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે
રાજકોટઃ શહેર નજીક અમદાવાદ તરફ જતા હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ કાર્યરત કરાયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ નથી. હાલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે. ત્યારે ડોમેસ્ટીક ફ્લાઈટ્સને પણ પુરતો પ્રવાસી ટ્રાફિક મળતો નથી. કેટલીક ફ્લાઈટમાં તો 50 ટકા બેઠકો ખાલી રહે છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે ફ્લાઈટ્સ ઓપરેટોરો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મોટાભાગની ફ્લાઈટોમાં અંદાજિત 50 ટકા જેટલી સીટો ખાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને પુના જેવા મુખ્ય રૂટ પરની ફ્લાઈટ્સમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે. એરપોર્ટ ટર્મિનલ પર સૂમસામ માહોલ છવાયેલો છે, જે સામાન્ય રીતે યાત્રિકોથી ધમધમતો જોવા મળે છે. પ્રવાસીઓના ઘટાડા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. પ્રથમ, ચાલુ માસમાં કોઈ મોટા તહેવારો કે જાહેર રજાઓ ન હોવાથી પર્યટકોની સંખ્યામાં સ્વાભાવિક રીતે ઘટાડો થયો છે. સામાન્ય રીતે, રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળે છે, પરંતુ હાલ તેવી કોઈ અનુકૂળ પરિસ્થિતિ નથી. એરલાઇન્સ અને એરપોર્ટ સત્તાવાળાઓ માટે મુસાફરોનો વિશ્વાસ ફરીથી જીતવો અને તેમને હવાઈ મુસાફરી માટે પ્રોત્સાહિત કરવા એક મોટો પડકાર બની રહેશે. આગામી સમયમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા ફ્લાઈટ્સ ઓપરેટરો રાખી રહ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવાઈ પ્રવાસીઓમાં એક પ્રકારનો ડર વ્યાપી ગયો હોય લોકો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. અને માત્ર અત્યંત કટોકટીની પરિસ્થિતિમાં જ હવાઈ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ ઘટનાએ લોકોના મન પર ઊંડી અસર કરી છે, જેના કારણે સામાન્ય પ્રવાસો માટે હવાઈ મુસાફરીનો વિકલ્પ ટાળવામાં આવી રહ્યો છે. બીજી તરફ એરલાઈન્સ કંપની પણ મુસાફરોને આકર્ષવા સલામત મુસાફરી માટે તકેદારી રાખી રહ્યા છે. હાલ એરફેર તદ્દન સામાન્ય હોવા છતાં યાત્રિકોનો ધસારો જોવા મળતો નથી. સામાન્ય સંજોગોમાં, વાજબી ભાડાં પ્રવાસીઓને આકર્ષિત કરતાં હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ભાવ ઘટાડાની પણ કોઈ અસર જોવા મળી રહી નથી. રાજકોટ એરપોર્ટ માટે આ સ્થિતિ ચિંતાજનક છે અને ભવિષ્યમાં મુસાફરોનો વિશ્વાસ પુનર્જીવિત કરવા માટે વિશેષ પ્રયાસો કરવા પડે તેવી શક્યતા છે.