
- 60 વર્ષ જૂના બ્રિજ જર્જરિત સ્થિતિમાં, બ્રિજના સળિયા દેખાયા,
- ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા,
- અનેક રજૂઆતો છતાંયે બ્રિજને રિપેર કરાતો નથી
લીંબડીઃ રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો હોય છે. હાઈવેને સિક્સલેન કરવાની કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે હાઈવે પરના બગોદરા નજીક ભાદર નદી પરના નાના પુલની પણ સ્થિતિ અતિ જર્જરિત છે. ત્રણ કિમીનો પુલ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. કેટલીક જગ્યાએ બ્રિજના સળિયા પણ દેખાવા લાગ્યા છે. ત્યારે આ બ્રિજનનું મરામતનું કામ વહેલી તકે હાથ ધરવામાં આવે એવી માગ ઊઠી છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નંબર 47 પર 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. હાઈવે પર બગોદરા ગામ નજીક આવેલો ભોગાવો નદીનો બ્રિજ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. 60 વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં છે. બ્રિજના સળિયા ખુલ્લા દેખાયા છે અને તેના પોપડા પડી રહ્યા છે. આશરે ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા છે, જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આ ખાડાઓથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધે છે.
સૂત્રોના કહેવા મુજબ આ હાઇવે પર પાંચ વર્ષથી નવા બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. આમ છતાં, તંત્ર દ્વારા આ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. જો આવી જર્જરિત સ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોની હશે? જનતા અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને, તંત્રને તાત્કાલિક આ બ્રિજનું નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા ફેરબાંધણી કરવા માટે પગલાં લેવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકાય. તાજેતરમાં જ કોંગ્રેસના એક મહિલા નેતાએ પુલ ઉપરના ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાનો એક વિડીયો વાયરલ કર્યોે હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી.