
- જૂગારની લત્તને લીધે દેવામાં ડૂબેલો શખસ ચોરીના રવાડે ચડ્યો હતો,
- રિક્ષામાં કેરબા મુકીને ડીઝલની ચોરી કરવા આવ્યો હતો,
- પ્રથમ વખત 150 લિટર ડીઝલની ચોરી કરીને બીજીવાર આવ્યો હતો
ભાવનગરઃ શહેર નજીક આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સે એક ડીઝલ ચોરને પકડ્યો હતો. આરોપી લાલો મકવાણા (30) સિહોરનો રહેવાસી છે અને રિક્ષા ચાલક તરીકે કામ કરે છે. રેલવે પ્રોટેક્શન ફોર્સને ડીઝલ ચોરીની માહિતી મળતા તેમણે વિશેષ ટીમ બનાવી હતી. અને વરતેજ રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ શંકાસ્પદ વ્યક્તિને ઓટો રિક્ષા સાથે પકડ્યો હતો.
રેલવે પોલીસ સૂત્રોના કહેવા મુજબ વરતેજ રેલવે સ્ટેશન પર પાર્ક કરેલા ડીઝલ એન્જિનમાંથી ડીઝલની ચોરી થતી હતી. આથી રેલવે પ્રોટેક્શન ફોર્સે એક ટીમ બનાવીને વોચ રાખવાનો નિર્ણય લીધો હતો. આરોપીએ પ્રથમવાર 150 લિટર ડીઝલની ચોરી કરી હતી. તેથી આરોપીમાં હિંમત આવી ગઈ હતી અને તે બીજીવાર ડીઝવની ચોરી કરીને જતા ઝડપાઈ ગયો હતો, પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે જુગારની લતને કારણે દેવામાં ડૂબી ગયો હતો. દેવું ચૂકવવા માટે તેણે રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરી કરવાનું શરૂ કર્યું. તેણે પ્લાસ્ટિકના પાઇપ દ્વારા એન્જિનમાંથી ડીઝલ કાઢી, 20 લિટરની પાણીની બોટલોમાં ભર્યું હતું. આરોપીએ કુલ 150 લિટર ડીઝલની ચોરી કરી હતી. તેણે આ ડીઝલ ત્રણ અલગ-અલગ જગ્યાએ 50 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચ્યું હતું. 10 જુલાઈના રોજ ફરી ચોરી કરવા આવ્યો ત્યારે તેને ખબર નહોતી કે તે દિવસે ઇલેક્ટ્રિક એન્જિન મૂકેલું હતું. રેલવે પોલીસે આરોપી પાસેથી 115 લિટર ડીઝલ જપ્ત કર્યું છે. બાકીના 35 લિટર ડીઝલની શોધખોળ કરવામાં આવી છે.