1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે
હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો  મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો મુખ્યમંત્રી દ્વારા શનિવારે શુભારંભ કરાવશે

0
Social Share
  • તા.26જુલાઇથી 23 દિવસ સુધી મોન્સુન ફેસ્ટીવલ યોજાશે,
  • પ્રથમદિવસે  ગુજરાત સહિત 13 રાજ્યોના 254 કલાકારો દ્વારા ‘ભવ્ય કાર્નિવલ પરેડ‘ યોજાશે
  • ગુજરાતનાખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું  ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ‘ પ્રસ્તુતી રજૂ કરશે

ગાંધીનગરઃ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 26 જુલાઈના રોજ સવારે 09 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ  આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ  ખાસ ઉપસ્થિત રહેશે.

આગામી તા.26 જુલાઇથી 17 ઓગસ્ટ 2025 એમ કુલ 23 દિવસ સુધી યોજાનાર આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે 9 કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત 13 રાજ્યોના 354  કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. જેમાં મહારાષ્ટ્રથી લાવણી લોકનૃત્ય & ધણગારી ગજા, પંજાબથી ભાંગડા રાજસ્થાનથી કલબેલિયા લોકનૃત્ય,પશ્ચિમ બંગાળથી છાઉ નૃત્ય, આસામથી બિહૂ નૃત્ય, મધ્ય પ્રદેશથી બધાઈ લોકનૃત્ય, તેલંગાણાથી ગુસસાડી નૃત્ય, કર્ણાટકથી પૂજાકુનિથા, હિમાચલ પ્રદેશથી નાટી, હરિયાણાથી ધમાલ નૃત્ય,  ગુજરાતથી ડાંગી લોકનૃત્ય, છત્રી હુડો, રાઠવા નૃત્ય, સિદી ધમાલ, તલવાર રાસ, ડોબરૂ-કિર્ચા, ગરબા, બાવન બેડા, ડાંગી કહાદિયા નૃત્ય, મેવાસી નૃત્ય તથા જુદા જુદા ફોક કાર્નિવલના પ્રોપ્સ & પ્રોપર્ટીસ જેવા કે લોક મેળો મોટા કાવડી, જમ્પિંગ કાવડી, બિગ પપેટ્સ, લદ્દાખ માસ્ક, સ્નો લાયન (લેહ), વિંગ્સ, ફેસ માસ્ક જેવા પરંપરાગત અને આકર્ષક પ્રોપ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. જેની સાથે સાથે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” વિશેની જાણકારી આપતા ટેબ્લોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.

રંગારંગ ઉદ્ઘાટન-સ્ટેજ કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણીપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, અને હરિયાણાના કુલ ૮૭ કલાકારો દ્વારા ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથ્થકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા,ઘૂમ્મર, મયુર, છાઉ ડાન્સ, બિહુ અને કથ્થક જેવા નૃત્યો રજૂ કરવામાં આવશે. વધુમાં કુલ 23 દિવસ ચાલનારા સમગ્ર ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણોમાં દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અલગ અલગ સાપ્તાહિક કાર્યક્રમો જોઈએ તો પ્રથમ સપ્તાહને ‘ટ્રાઈબલ હેરિટેજ’ વીક તરીકે પ્રસ્થાપિત કરી ઈવેન્ટ સ્થળ આસપાસ આર્ટ એન્ડ ક્રાફ્ટ, આદિવાસી વાનગીઓનો રસથાળ, સેલ્ફી ઝોન તેમજ આદિવાસી બંધુઓના વિવિધ હુન્નરને પ્રદર્શિત કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

રાજ્યના વિવિધ ઉત્સવની પરંપરા એટલે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ’. વિવિધ પ્રાંતમાંથી પધારતા પ્રવાસીઓ વરસાદી ઋતુમાં પ્રકૃતિના સાનિધ્યમાં આદિવાસી સંસ્કૃતિ,પરંપરા અને ખાનપાનના સ્વાદ સાથે આનંદ માણી શકે સાથેસાથે સ્થાનિક સ્તરે નવીન રોજગારીનું પણ સર્જન થાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે‌ જેમાં મોટી સંખ્યામાં સહભાગી થવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code