1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હીલ સ્ટેશન સાપુતારામાં કાલે શનિવારથી મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે
હીલ સ્ટેશન સાપુતારામાં કાલે શનિવારથી મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે

હીલ સ્ટેશન સાપુતારામાં કાલે શનિવારથી મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે

0
Social Share
  • પ્રવાસીઓને કુદરતી સૌંદર્યથી માંડી આદિવાસી સંસ્કૃતિને મળશે લ્હાવો,
  • ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે,
  • વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની તક

ગાંધીનગરઃ  ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં કુદરતી વાતાવરણ માણવા આવે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આવતી કાલ તા. 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે, પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, આ સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પહેલીવાર એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. તેમજ આ વર્ષે રેઇન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં આયોજિત “ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન”માં 13 રાજ્યોના 80થી વધુ કલાકારો પોતાની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ પર્ફોર્મન્સ રજૂ કરશે. એટલું જ નહીં, પ્રવાસીઓને સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે. આ સિવા સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી તેમજ સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code