1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ: 185 પાકિસ્તાની લોકોને CAAમાં ભારતીય નાગરિકતા મળી
રાજકોટ: 185 પાકિસ્તાની લોકોને CAAમાં ભારતીય નાગરિકતા મળી

રાજકોટ: 185 પાકિસ્તાની લોકોને CAAમાં ભારતીય નાગરિકતા મળી

0
Social Share

અમદાવાદઃ પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.

“ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો”.. પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા… અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટમાં મૂળ પાકિસ્તાનના ૧૮૫ લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ ‘ભારતીય નાગરિકતા એનાયત’ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશ મુજબ, રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીએ જ્યારે કહ્યું કે, “હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો..” ત્યારે ઉપસ્થિત લોકોએ “ભારત માતા કી જય”ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા.

મંત્રીએ રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે, આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના ૧૮૫ લોકોને નવું જીવન આપ્યું છે.

પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.

એક ડોક્ટર દીકરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા-પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું. આવા દેશમાંથી આવેલા આ મૂળ ભારતના લોકો “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે, એમ તેમણે ગૌરવભેર કહ્યું હતું.

ભારત દેશની મહાનતાનું ગૌરવગાન કરતા મંત્રીએ કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે, જ્યાં માનવ માત્રનું સન્માન કરવામાં આવે છે. આજે દેશ-દુનિયામાં માનવ અધિકારોની ચર્ચા થાય છે ત્યારે માનવ અધિકારનું પાલન કેવું હોય તે જોવું હોય તો દુનિયાના લોકોએ ભારત અને ગુજરાતમાં આવવું જોઈએ. આ સાથે તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શા માટે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ સાથે અત્યાચારો અને ક્રુરતાભર્યા વ્યવહારો થાય છે?

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સી.એ.એ. થકી અનેક લોકોના જીવન બચાવવાનું કાર્ય કર્યું છે. આ તકે મંત્રીએ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનારા લોકોને આગામી સમયમાં સરકારની અન્ય યોજનાઓના લાભો પણ મળી રહે તે જોવા વહીવટી તંત્રને જણાવ્યું હતું. મંત્રીએ લાભાર્થીઓને હૂંફ આપતા કહ્યું હતું કે, તમારે પાકિસ્તાનમાં સ્વજનો કે સગા સંબંધીઓને છોડીને આવવું પડ્યું હશે પણ અમે બધા તમારી સાથે છીએ અમે બધા તમારો પરિવાર છીએ. તમારા બાળકોને ભવિષ્યમાં ભારતમાં આગળ વધવાની તમામ સમાન તકો પ્રાપ્ત થશે.

આ તકે લાભાર્થીઓએ આ પ્રમાણપત્ર મળવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારનો આભાર પ્રકટ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર જનરલ રાજેશ માલવિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી. લાભાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરતી વખતે મંત્રી હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરીને ખબર અંતર પણ પૂછ્યા હતા અને તેઓની લાગણી જાણી હતી. આ તકે પોતાના અનુભવો કહેતા લાભાર્થીઓ ગળગળા થઈ ગયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code