1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં મહિલાઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને પોલીસે પકડી પાડી
ગાંધીનગરમાં મહિલાઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને પોલીસે પકડી પાડી

ગાંધીનગરમાં મહિલાઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને પોલીસે પકડી પાડી

0
Social Share
  • ગાંધીનગર પોલીસે 100થી વધુ CCTV તપાસી ત્રણ આરોપીઓને પકડ્યા,
  • આરોપીઓએ રિક્ષામાં મહિલા પ્રવાસીને ધમકી આપી 1.47 લાખની મત્તાની લૂંટ કરી હતી,
  • આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીનગરઃ શહેરના એકલ-દોકલ મહિલા પ્રવાસીઓને રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગને ગાંધીનગર પોલીસે દબોચી લીધી છે. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને એક લૂંટ કેસને મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સાથે અન્ય શખસો સંડોવાયેલા છે કે કેમ તેમજ અગાઉ પણ લૂંટના કેટલા ગુના કર્યા છે. તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.

ગાંધીનગરના કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ-1માં રહેતા હર્ષાબેન ભટ્ટ સાથે લૂંટની ઘટના બની હતી. મહિલાને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ગાંધીનગર પોલીસે 100થી વધુ CCTV તપાસી ત્રણ આરોપીઓને પકડ્યા છે.

આ કેસની વિગત એવી છે કે, ગઈ તા. 23 જુલાઈના રોજ હર્ષાબેન ભાવનગરથી ટ્રાવેલ્સ બસમાં આવી અમદાવાદના ઇસ્કોન મંદિર પાસે રાતના આઠેક વાગ્યે ઉતર્યા હતા. અને ગાંધીનગરના કુડાસણ જવા માટે તેઓ શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં ડ્રાઈવરની બાજુમાં એક વ્યક્તિ અને પાછળની સીટમાં હર્ષાબેનની બાજુમાં બે વ્યક્તિઓ બેઠા હતા. રિક્ષા ચાલકે મુખ્ય માર્ગને બદલે તારાપુરથી રીંગ રોડ પર રિક્ષા લઈ ગયો હતો. સરગાસણ ચોકડીથી આગળ ઘ-0 જતા રોડ પર એક વ્યક્તિએ વોશરૂમ માટે રિક્ષા ઉભી રખાવી હતી. બાદમાં ઘ-0 બ્રિજ નીચેથી ઇન્દ્રોડા સર્કલ ચ-0 જતા રોડ પર ફરી વોશરૂમના બહાને રિક્ષા ઉભી રખાવી હતી. ત્રણેય વ્યક્તિઓ નીચે ઉતર્યા પરંતુ વોશરૂમ ગયા નહીં અને પાછા રિક્ષામાં બેસી ગયા.  દરમિયાન એક વ્યક્તિએ હર્ષાબેનને લાફો મારી નીચે પાડી દીધા. બીજાએ તેમનું મોઢું દબાવી ગળા પર છરો રાખ્યો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ હિન્દીમાં ધમકી આપતો હતો. આરોપીઓએ હર્ષાબેનના ગળામાં પહેરેલો સોનાનો દોરો, કાનની બુટ્ટી, મોબાઈલ, પર્સમાંથી રૂ.2500 રોકડા અને કપડાંનો થેલો મળી કુલ રૂ.1,47,500ની મત્તા લૂંટી લીધી હતી. બાદમાં હર્ષાબેનને રીક્ષામાંથી ધક્કો મારી ફેંકી દઇ ગેંગ ફરાર થઈ ગઈ હતી. આ મામલે ગુનો દાખલ થતા જ એસીપી રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ સેકટર 7 પીઆઈ બી.બી.ગોયલ સહિતની પાંચ ટીમો એક્ટિવ થઈ હતી.

પોલીસે સેક્ટર-1 ગાયત્રીમંદિરથી અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ ઉપરના 100થી વધુ સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. આ ફુટેજના આધારે લૂંટ કરીને ફરાર થઈ ગયેલી રિક્ષાની ઓળખ કરીને રિક્ષાને ટ્રેક કરી લેવાઇ હતી. અને ગણતરીના કલાકોમાં જ મોહિત બાલકૃષ્ણ શર્મા, ભાવેશ ઉર્ફે બંટી સુરેશભાઈ બાલોતરા, અવિનાશ ઉર્ફે છોટુ ધર્મેન્દ્ર રાઠોડ (તમામ રહે. લાંભા ગામ, દસ્ક્રોઇ)ને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ચોથો આરોપી સંજુ અન્ના હજુ વોન્ટેડ છે.

પીઆઈ ગોયલે જણાવ્યું કે, આ ગેંગ નસેડી છે. લૂંટના ઈરાદે રિક્ષા લઇને ફરતાં ફરતાં ઇસ્કોન પહોંચેલા, અને હર્ષાબેનને બેસાડી ગુનો આચર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-309(6), 351(3) તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code