
દિલ્હીમાં સાંસદો દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજધાની દિલ્હીમાં સાંસદો દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આ રેલી ભારત મંડપમથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી પહોંચી હતી, જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો ઉત્સાહભેર જોડાયા હતા.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “તિરંગો એ એક એવી તાકાત છે જે આપણને એકતાના સૂત્રમાં બાંધે છે.” આ રેલીમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પણ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, “હર ઘર તિરંગા યાત્રા દેશના યુવાનોને આઝાદીના સંઘર્ષને યાદ કરાવવાનું કામ કરે છે.”
આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ હાજરી આપી હતી અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ રેલીમાં સાંસદોએ ત્રિરંગા લહેરાવીને દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો, જેણે નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જગાડ્યો હતો.