
- સુરતનું પરિવાર કારમાં સાપુતારા ફરવા માટે આવ્યું હતુ,
- કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો,
- પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન કરીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી
સાપુતારાઃ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદી સીઝનને માણવા અનેક પર્વાસીઓ આવી રહ્યા છે. ત્યારે ગત મોડી રાતના સમયે સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચનાક રિવર્સ થવા લાગી હતી. દરમિયાન કાર રોડની સાઈડની રેલિંગ તોડીને આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં અર્ટિંગા કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. દરમિયાન પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન કરીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના રાજેશભાઇ જયંતીભાઇ ખીલોટીયા તેમના પરિવાર સાથે GJ-05-JE-7834 નંબરની અર્ટિગા કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઇન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર ઢાળ ચડી ન શકતા કાર ઢાળ પરથી રિવર્સ થઈને ખસકવા લાગી હતી. કાર ખસકતી ખસકતી સીધી જ રસ્તાની સાઇડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જોકે કારમાં સવાર પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આ ખીણમાં કાર ખાબકવાની સમગ્ર ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. 100 ફૂટ ઊંડી ખીણમાં ટેબલ પોઈન્ટ પાસે કાર ખાબક્યાની ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પી.એસ.આઈ. પી.ડી. ગોંડલીયા તથા તેમની ટીમે ક્રેઇનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસ્કા લાઇટ લગાવી કામગીરી સરળ બનાવી હતી.