મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૨૫ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.
તેવી જ રીતે, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ 2018-19માં ૨૨ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ 2024-25માં 30લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ 52.20 લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ 2018-19ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ ૬૬ લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 1,068 કરોડના મૂલ્યની કુલ ૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8,295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે, તેમ તેમણે કહ્યું હતું.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર દ્વારા થતી સીધી ખરીદી અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધનોના પરિણામે ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે.મગફળીનું સારું ઉત્પાદન મેળવવા અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી ગુજરાત ગ્રાઉન્ડનટ-20, 32, 39, 23 નંબર અને ગિરનાર-4 જેવી લોકપ્રિય જાતોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મગફળીનો ઉપયોગ મુખ્યત્વે આહાર અને ખાદ્યતેલમાં થાય છે, જે ગુજરાતી ભોજનનો અભિન્ન અંગ છે. આ ઉપરાંત તેના ખોળનો ઉપયોગ પશુ આહારમાં પણ થાય છે. ગુજરાતની જમીન અને આબોહવા મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી છેલ્લા 150 વર્ષ કરતા પણ વધુ સમયથી રાજ્યમાં મગફળીનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. એમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશને તો “મગફળીનો ગઢ” માનવામાં આવે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

