1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અજમેરના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.5 લાખ પડાવનારો શખસ સુરતથી પકડાયો
અજમેરના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.5 લાખ પડાવનારો શખસ સુરતથી પકડાયો

અજમેરના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7.5 લાખ પડાવનારો શખસ સુરતથી પકડાયો

0
Social Share
  • મહિલા પ્રાફેસરને વીડિયો કોલ કરીને CBI ઓફિસર દયા નાયક હોવાની ઓળખ આપી હતી,
  • ક્રાઈમ બ્રાન્ચે આરોપી હિતેશને જહાંગીરપુરાથી દબોચી લીધો,
  • આરોપીને શેર બજારમાં દેવુ થતા સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો હતો

સુરતઃ દેશમાં ભણેલા-ગણેલા લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને ફ્રોડ કરવાના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓએ રાજસ્થાનના અજમેરના એક મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરીને 7,50,000 પડાવી લીધા હતા. આ બનાવમાં સુરતમાં રૂપિયા ટ્રાન્સફર થયાની જાણ થતા સુરતની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ધોડીયાવાલાને જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસરને સાયબર માફિયાઓએ વિડિયો કોલ કરીને સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપીને ધમકી આપીને રૂપિયા 7.5 લાખ પડાવ્યા હતા. આ અંગે અજમેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 30-08-2025ના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે તેમને જણાવ્યું હતું કે, તેમના નામે એક સિમ કાર્ડ ઈશ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવામાં થયો છે. ત્યારબાદ, ઓનલાઇન વીડિયો કોલ કરીને પોતાની ઓળખ CBI ઓફિસર દયા નાયક તરીકે આપી હતી. આરોપીએ ધમકી આપી હતી કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે. આ ધમકીઓથી ડરીને મહિલા પ્રોફેસરે ઓનલાઇન 7,50,000 ટ્રાન્સફર કરી દીધા હતા.

અજમેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન, આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બેંક એકાઉન્ટ સુરતના હિતેશભાઈ પ્રવીણચંદ્ર ધોડીયાવાલા (ઉં.વ.45)નું હોવાનું બહાર આવ્યું. આ માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાંચની વાહનચોરી સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જહાંગીરપુરાના ડોક્ટર પાર્ક રોડ પરથી આરોપી હિતેશને ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી હિતેશ ધોડીયાવાલા અગાઉ સ્ટોક માર્કેટનો ધંધો કરતો હતો. તેણે “ડી હાઈપર્સ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર”ના નામથી ઓફિસ પણ ખોલી હતી. આ ધંધામાં 1.5 કરોડથી વધુનું નુકસાન થતાં અને મોટા દેવામાં આવી જતાં, તે સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો હતો. આરોપી હિતેશએ ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ મારફતે “રોકી” નામના એક ઈસમનો સંપર્ક કર્યો અને ઓનલાઇન ડિજિટલ એરેસ્ટ દ્વારા પૈસા પડાવતી ટોળકીમાં સામેલ થયો હતો. તે અમદાવાદમાં ટોળકીના સભ્યોને રૂબરૂ મળ્યો હતો અને પોતાનું IndusInd Bankનું ખાતું તેમને આપ્યું હતું. આ માટે તેણે કમિશન પણ નક્કી કર્યું હતું. માત્ર એક જ દિવસમાં 02-09-2025ના રોજ, તેના બેંક ખાતામાં દેશભરમાંથી 48,78,000થી વધુ રકમ ટ્રાન્સફર થઈ હતી. આ બેંક ખાતું ભાડે આપવાના બદલામાં તેને તેના વરાછા બેંક ખાતામાં 62,900નો નફો પણ મળ્યો હતો. તેના બેંક ખાતામાં થયેલા આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ અંગે દેશભરમાં કુલ 7 જેટલી ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેસનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code