
- વહેલાલ નજીક આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-1માં SOGએ પાડી રેડ,
- શંકાસ્પદ ભેળસેળ યુક્ત 223 કિલો ચીઝ, 543 કીલોગ્રામ ઘીનો નાશ કરાયો,
- નકલી ઘીનો કારોબાર ઘણા સમયથી ધમધમતો હતો
અમદાવાદઃ દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો 766 કિલો જથ્થો અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે શંકાસ્પદ ભેળસેળ યુક્ત 223 કિલો ઘી સીઝ, 543 કિલોગ્રામ ઘીનો નાશ કર્યો હતો.
કણભા પોલીસ સ્ટેશન તાબામાં આવતા દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-1 એક એકમમાં નકલી ઘી બનાવવામાં આવે છે. તેવી એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી. પોલીસે ખોરાક અને ઔષધિ વિભાગ અમદાવાદ-2ના અધિકારીને સાથે રાખી તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો 223.200 કિલોગ્રામ (કિ.રૂપિયા 1.56.240)નો જથ્થો સીઝ કર્યો છે. જ્યારે શંકાસ્પદ ભેળસેળ યુક્ત 543 કીલોગ્રામ ઘી (કિ.રૂપિયા 3.43.050 નો જથ્થો નાશ કર્યો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પ્રથમ તબક્કામાં 1.56 લાખ રૂપિયાની કિંમતનો 200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યાર બાદ વધુ તપાસમાં 3.43 લાખ રૂપિયાની કિંમતનો 543 કિલો ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસ કણભા પોલીસ મથકની હદમાં નોંધાયો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે, આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહે છે. લોકોને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.