
- શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા પરિવારની કારને અકસ્માત નડ્યો,
- અકસ્માતમાં એકને ગંભાર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો,
- અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર વધુ અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાનાં મોત નિપજ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે એકઠા થઇ ગયાં હતાં.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં ભોગ બનેલો પરિવાર પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે. આ અકસ્માતની ઘટનામાં મૃતક ચારેય મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે. હાલ મૃતક મહિલાઓનાં પરિવારજનો અમદાવાદથી લખતર આવવા માટે નીકળ્યાં છે.