 
                                    - ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ,
- માવઠાને લીધે ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો,
- દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો
અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે. આજે છોટાઉદેપુરના કવાંટ, સંખેડામાં દોઢ ઈંચ અને જુનાગઢના કોડિનારમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. આજે મ્ધય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હતો. આગામી તા, 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે જુનાગઢ, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, વડોદરા, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગત મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં પણ ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે. આ સાથે જ વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે. માંગરોળના દરિયાકાંઠે નંબર-3ના સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગઈકાલે સવારે ભારે પવન સાથે ઊંઝા અને મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. તો બપોર બાદ વેરાવળ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, ડાંગ, મહિસાગર સહિતમાં પણ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયાં હતા. તો બીજી તરફ ખેતરમાં તૈયાર પાકને લઈ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

