- અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો,
- ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ,
- ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ
અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને ભાવનગરના મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 152 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં સાડા સાત ઈંચ, સિહોરમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે, ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ધાતરવાડી નદીમાં એક બોલેરો કાર તણાતા નદીકાંઠા ગામના સ્થાનિક લોકોએ કારના ચાલકને બચાવી લીધો હતો. ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ધાતરવડી ડેમ-2 દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજુલાના ધાતરવાડી ડેમ-2ના પાણી ગામોમાં પ્રવેશતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધરારાનાનેશમાં પૂરના કારણે વીજપોલ ધરાશયી થયો છે, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ખેતરો જાણે સરોવર હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં મોડીરાતથી શરૂ થયેલો વરસાદ હજુ ધીમોધીમો વરસાદ વરસી રહ્યો છે. શહેરના થલતેજ, બોડકદેવ, પકવાન ચાર રસ્તા, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નોકરી અને ધંધા માટે જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ગુલાબી ઠંડીની સિઝનમાં અમદાવાદીઓને કમોસમી વરસાદના કારણે રેઇનકોટ પહેરવાની ફરજ પડી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામ નજીક આજ રોજ વહેલી સવારે રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા બે અજાણ્યા વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. રજાવળ નદી પર બનાવાયેલ કોઝવેમાં બે વ્યક્તિઓ તણાયા હોવાનું પાલીતાણા મામલતદાર દ્વારા જણાવાયું છે. હાલ બંન્ને વ્યક્ની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાલીતાણા ફાયર ટીમ, તળાજા ફાયર ટીમ અને તંત્રના અધિકારીઓ બનાવ સ્થળ પર પહોંચ્યા છે. અવિરત પાણીનો પ્રવાહ શરૂ રહેતા હાલ પાલીતાણાથી રંડોળા આવવા-જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.


