1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ અટલ બ્રિજની 3 વર્ષમાં 77.71 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

0
Social Share

અમદાવાદઃ ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો.

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022 થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ) એ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ની કંપની છે, અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ₹6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી ₹8.24 કરોડની તેમજ એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી ₹8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025 થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ₹4.82 કરોડની આવક થઇ છે. આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે ₹74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી ₹27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code