- પોલીસે પગમાં ગોળી મારીને પરોઢીયે નામચીન શખ્સને પકડી લીધો,
- કૂખ્યાત આરોપી હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો,
- સુરત ક્રાઈમ બ્રાન્ચની 25 અધિકારીઓએ સ્ટાફ સાથે ઓપરેશન લંગડા હાથ ધર્યુ
સુરતઃ શહેરના ડિંડોલી, લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવીને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાયો હોવાની બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચના 25 અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ડાભોલ ગામે મધરાત બાદ પહોચ્યો હતો. અને આરોપી જ્યા છુપાયો હતો તે મકાનને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધર્યુ હતું. અને આરોપી એક પીઆઈ પર હુમલો કરીને ભાગવા જતા પોલીસે આરોપીના પગમાં ફાયરિંગ કરતા તે ઢળી પડ્યો હતો. પોલીસે આરોપીને પકડીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુંપાઈને રહે છે. તેવી બાતમી બાદ ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે વહેલી સવારના 3 વાગ્યા ડાભેલ ગામમાં પહોંચી હતી.
ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં સંતાઇને રહેતો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે (6 નવેમ્બર) વહેલી સવારે 3 વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી દીધા હતા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો. આરોપી સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો. જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો, ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા ક્રાઈમ બ્રાંચના બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતુ. આ દરમિયાન તેણે PI પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પી. કે. સોઢાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી. આરોપી ઢળી પડતા પોલીસે તેને પકડી લીધો હતો.


