સુદાનમાં થઈ રહેલી હિંસાને લઈને ટ્રમ્પે વ્યક્ત કરી ચિંતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુદાનની હાલની ગંભીર પરિસ્થિતિ પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું કે, સુદાનમાં “ભયંકર અત્યાચાર” થઈ રહ્યા છે અને આ દેશ આજે “ધરતી પરનું સૌથી હિંસક સ્થાન” બની ગયુ છે. તેમણે કહ્યું કે, દેશમાં ખોરાક, સારવાર અને જીવન જરૂરિયાતોની ભારે અછત છે, જેના કારણે વિશાળ માનવીય સંકટ ઉભું થયું છે.
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, સુદાન એક સમયમાં મહાન સંસ્કૃતિ માટે જાણીતું હતું, પરંતુ આજે વિનાશ અને હિંસાના અંધકારમાં ડૂબી ગયું છે. ટ્રમ્પે ખુલાસો કર્યો કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, જે તાજેતરમાં અમેરિકા પ્રવાસે આવ્યા હતા, તેમજ અન્ય અરબ નેતાઓએ તેમને સુદાનની સ્થિતિ પર તરત પગલા લેવા વિનંતી કરી છે.
ટ્રમ્પે કહ્યું કે,“વિવિધ દેશોના સંયુક્ત પ્રયત્નોથી સુદાનને ફરીથી માર્ગ પર લાવી શકાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, ઇજિપ્ત અને મધ્ય પૂર્વના અન્ય ભાગીદાર રાષ્ટ્રો સાથે મળીને અમે આ અત્યાચાર રોકવાનો પ્રયાસ કરીશું.”
બે વર્ષથી વધુ સમયથી ગૃહયુદ્ધમાં સળગતા સુદાન માટે આશાની કિરણ દેખાઈ છે. અર્ધસૈનિક ટુકડી રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) એ અમેરિકાના પ્રસ્તાવ પર યુદ્ધવિરામ સ્વીકારવાની જાહેરાત કરી છે. યુદ્ધવિરામની મધ્યસ્થતા ‘ક્વાડ ગ્રુપ’ દ્વારા થઈ રહી છે, જેમાં અમેરિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને યુએઈનો સમાવેશ થાય છે. RSFએ જણાવ્યું કે યુદ્ધવિરામનો હેતુ માનવીય સંકટ ઘટાડવો, નાગરિકોની સુરક્ષા વધારવી અને વિનાશક અસર અટકાવવી છે. દરમિયાન અમેરિકાના વરિષ્ઠ સલાહકાર મસાદ બુલોસે જણાવ્યું કે, બંને પક્ષો સિદ્ધાંતરૂપે યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે અને પ્રક્રિયા આગળ વધી રહી છે.


