- બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કરાયું,
- કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સામે પ્રહારો કર્યા,
- કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને મળ્યો આવકાર
પાલનપુરઃ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લોકાર્પણ કર્યું હતુ. બનાસકાંઠા કોંગ્રેસ કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં. પહેલા ઘરનો છોકરો વ્હાલો હોય અને પછી પારકા વ્હાલા હોય, એટલે આપણા ગયેલા લોકો ભાજપમાં જઈને પસ્તાય રહ્યા છે.
ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમાં ખાતેથી નીકળેલી ‘જન આક્રોશ યાત્રા’ પાલનપુર આવી પહોંચી હતી. જ્યાં બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત જિલ્લા કોંગ્રેસ ભવનનું લોકાર્પણ અને રાજીવ જનસેવા કેન્દ્રનું ઉદ્દઘાટન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓના હસ્તે ખુલ્લું મુકાયું હતું. જાહેર સભામાં અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ ભાજપ ઉપર આકાર પ્રહારો કર્યા હતા. આ બાદ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુરના માર્ગો પર ફરી હતી જ્યાં તેનું સ્વાગત કરાયું હતું.
વાવ-થરાદના ઢીમાં ખાતેથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુર પહોંચી હતી જ્યાં પાલનપુરમાં બનેલ નવીન કોંગ્રેસ કાર્યાલનું લોકાર્પણ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત સંગઠન સહ પ્રભારી સુહાસીની યાદવ, સાંસદ ગેનીબેન ઠાકોર તથા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો. મોંઘવારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જન આક્રોશ યાત્રા પાલનપુરના માર્ગો પર ફરી હતી જ્યાં પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત થયું હતું. બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનારી કોંગ્રેસને સરકાર દબાવવા માંગે છે. બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યાં છે. જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકાર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા લોકોની હાલત ખરાબ થઈ છે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને સંગ્રહ કરવાનું ગોડાઉન બન્યુ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહિ. પહેલા ઘરનો છોકરો વ્હાલો હોય અને પછી પારકા વ્હાલા હોય એટલે આપણા ગયેલા લોકો ત્યાં પસ્તાય છે. સંસદ ગેનીબેને આગળ કહ્યું કે, કોઈપણ મંદિર ખરાબ હોતું નથી ક્યારેક કોઈ ભુવો ખરાબ આવી જાય છે. ભુવાની વેલીડીટી લાંબી ન હોય એ તો બદલાતા રહેતા હોય છે. આમ, કોંગ્રેસ છોડી અને ભાજપમાં જનારા લોકો સાંસદે આકરા પ્રહાર કર્યા હતા.


