- મજાક મસ્તી દરમિયાન વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને કાતરના ઘા ઝીંકી દીધા,
- સગીર વિદ્યાર્થીને પેટના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો,
- સગીર વિદ્યાર્થીઓમાં વધતી જતી હિંસક વૃતિ ચિંતાનો વિષય
નવસારીઃ આજના સગીર વયના યુવાનો અને કિશોરોમાં સોશિયલ મીડિયાના વળગણને કારણે નજીવી વાતે ઉશ્કેરાટ અને હિંસક વૃતિ વધતી જાય છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. નવસારીમાં ઇટાળવા રોડ પર આવેલી નામાંકિત એસ.જી.એમ. શિરોયા હાઈસ્કૂલની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ નજીવી બાબતે બાખડી પડ્યા હતા. સ્કૂલ છૂટ્યા બાદ ધો. 10માં અભ્યાસ કરતો એક સગીર વિદ્યાર્થી તેના મિત્રો સાથે સ્કૂલના ગેટ પાસે ઊભા રહી મજાક-મસ્તી કરી રહ્યો હતો. આ મજાક-મસ્તી દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને કોઈ બાબત સહન ન થતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ તરત જ તેના સ્કૂલ બેગમાંથી કાતર કાઢીને સગીર વિદ્યાર્થીના પેટ અને શરીરના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, નવસારીના ઇટાળવા રોડ પર આવેલી નામાંકિત એસ.જી.એમ. શિરોયા હાઈસ્કૂલની બહાર ધો. 10માં અભ્યાસ કરતો એક સગીર વિદ્યાર્થી તેના મિત્રો સાથે સ્કૂલના ગેટ પાસે ઊભા રહી મજાક-મસ્તી કરી રહ્યો હતો. મજાક-મસ્તી દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને કોઈ બાબત સહન ન થતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ તરત જ તેના સ્કૂલ બેગમાંથી કાતર કાઢીને સગીર વિદ્યાર્થીના પેટ અને શરીરના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ધારદાર કાતર વાગતા સગીર વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને પેટ અને શરીરના ભાગે ઈજા પહોંચી છે. સદભાગ્યે, હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના વાલીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અમદાવાદ અને વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચેના હિંસક ઝઘડા બાદ નવસારીમાં પણ આવી ઘટના બનવી એ અત્યંત ગંભીર બાબત છે. “સામાન્ય બાબતે સાથી વિદ્યાર્થી દ્વારા ગંભીર ઇજા પહોંચાડી શકે તેવી કાતરથી કરાયેલો હુમલો વાલીઓ માટે લાલબત્તી સમાન છે. સ્કૂલ મેનેજમેન્ટે શૈક્ષણિક સંકુલમાં શાંતિ જળવાય તે માટે સખત પગલાં ભરવા જોઈએ અને વિદ્યાર્થીઓની બેગમાં શસ્ત્રો જેવી વસ્તુઓ ન હોય તેની નિયમિત ચકાસણી કરવી જોઈએ. સરકારે આ મુદ્દે ગંભીર બનીને નક્કર પગલાં ભરવાની અને શાળાઓમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાની તાતી જરૂર છે.


