બિલ્ડરોએ કન્સ્ટ્રકશન સાઈટ પર QR કોડ સહિત પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતીનું બોર્ડ મુકવુ પડશે
- રેરાએ રિયલ એસ્ટેટમાં લાગુ કર્યો નવો નિયમ
- લોકો QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
- બિલ્ડરોએ બેન્ક ધિરાણ સહિતની તમામ માહિતી મુકવી ફરજિયાત,
ગાંધીનગરઃ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આજથી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બિલ્ડરોએ પોતાની બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત મુકવું પડશે. ગ્રાહકો QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવી પડશે. ગ્રાહકો હવેથી રીયલ એસ્ટેટ પ્રોજેકટના બાંધકામથી બેન્ક ધિરાણ સહિત તમામ માહિતી સ્થળ પર જ જાણી શકાશે
રાજ્યમાં મહાનગરોમાં મકાન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને બાંધકામ સાઈટને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો બિલ્ડરની ઓફિસ કે પછી રેરાની સાઈટ પર જઈને ખાંખાખોળા કરવા પડે છે. પરંતું આજે 1 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઈટને લગતી તમામ માહિતીનું બોર્ડ QR કોડ સ્કેન સાથે ફરજિયાતપણે સ્થળ પર લગાવવામાં આવશે. પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા RERA એ હુકમ કર્યો છે.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ હુકમ કર્યો કે, દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈપણ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આ નવો નિયમ આજે 1 ડિસેમ્બરથી લાગુ પડશે. રેરાના આ નિયમથી ગ્રાહકોને ફાયદો થશે. તેમના ધરમધક્કા ઘટી જશે. નાગરિકોને સહેલાઈથી બાંધકામ સાઈટને લગતી માહિતી મળી રહેશે. આ ઉપરાંત ક્યુઆર કોડથી એક જ પ્લેટફોર્મ પર સાઈટને લગતી માહિતી મળી રહેશે.


