- ઠગ ટોળકીએ મહિલાએ ડિપોઝિટના સામે આકર્ષક વળતરની લાલચ આપી હતી,
- મહિલાને ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી,
- ઠગ ટોળકીએ 1000ના રોકાણ સામે 1300, અને 5000 સામે 6,500 રૂપિયા કમાવવાની સ્કીમ આપી હતી
વડોદરાઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપવાનીને લોકોને તેની ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની પાર્ટનર ઓનલાઇન ઠગોની જાળમાં ફસાઈ જતા 31 લાખ ગુમાવ્યા પડ્યા છે. સાબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી અને ઇન્વેસ્ટમેન્ટ એજન્સીમાં પાર્ટનરશીપ ધરાવતી એક મહિલાએ ગઈ તા.25મી મે એ વર્ક ફ્રોમ હોમની ઓનલાઇન જાહેરાત જોઈને ક્લિક કરતા સાયબર માફિયાઓએ તેની પાસે ડીટેલ માંગવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ ઉપર મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને હોટલ તેમજ ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી. ઠગોએ ત્યારબાદ એક લીંક મોકલી હતી અને તેમાં ટાસ્ક આપી એક ટાસ્કના રૂ.180 આપવાની ઓફર કરી હતી. આ માટે તેમણે ટેલિગ્રામ ઉપર સંપર્ક કરી ફરીથી બધી ડિટેલ મેળવી હતી. ત્યારબાદ તેમણે એક ટાસ્કના 180માં એકાઉન્ટમાં જમા કર્યા હતા. અને વધુ કામ કરવું છે કે કેમ તેમ પૂછી રોજના 20 ટાસ્કની ઓફર કરી હતી. ઠગ ટોળકીએ રૂ.200 અને 190 પણ જમા કર્યા હતા તેમજ બે જ દિવસના પગારના 1040 જમા કરતા મહિલાને વિશ્વાસ બેઠો હતો. ઠગોએ જે રીતે મહિલાને વિશ્વાસમાં લીધી તે જોતા મહિલાએ રોજના 10000 કમાવવા માટે સામે ચાલીને કામની માંગણી કરી હતી. આ વખતે ઠગોએ મહિલાને કહ્યું હતું કે, તમારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે તો ફુલ ટાઈમ જોબ કરવી છે? જેથી મહિલાએ પાર્ટ ટાઈમ જોબ પસંદ કરી હતી. તેની પાસે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી ઠગોએ ટાસ્ક કરવા માટે ડિપોઝિટની રકમ જમા કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તમે રૂ.1,000 રોકશો તો તેના ઉપર 1300 મળશે. રૂ.3,000 તો તેના ઉપર 3900 અને 5000 રોકશો તો 6,500 મળશે. ત્યારબાદ ઠગોએ રૂ 1300 જમા કરાવ્યા હતા અને મહિલાને વીઆઇપી ગ્રુપમાં સામેલ કરી હતી. ચાર જણના ગ્રુપમાં 3000 15000 અને 40,000 ની રકમ ભરપાઈ કરવાની સ્કીમ હતી. ઠગોએ મહિલાને રૂ.40,000 ની ડિપોઝિટવાળા કામમાં ભૂલ છે તેમ કહી ફરીથી બીજા ત્રણ ટાસ્ક લેવા પડશે એમ કહ્યું હતું. આમ મહિલા પાસે જુદા જુદા બહાના કાઢીને ઠગોએ 31.61 લાખ પડાવી લીધા હતા. જ્યારે મહિલાને માત્ર 20000 મળ્યા હતા. મહિલાએ પોતાની રકમ છૂટી કરવા માટે લોન લેવાની તૈયારી કરતા તેના પિતાને જાણ થઈ હતી અને તેને અટકાવી સાયબર સેલની મદદ લીધી લેતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


