- ટ્રાફિક સિગ્નલો પર કેટલાક વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે,
- બિન જરૂરી હોર્ન વગાડવાથી ધ્વની પ્રદૂષણ ફેલાય છે,
- હવે વાહનચાલકો હોર્ન વગાડશે તો 500થી 1000નો દંડ લેવાશે
સુરતઃ શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે ઘણા વાહનચાલકો બિન જરૂરી સતત હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ કરતા હોય છે. તેમજ સતત હોર્ન વાગતા અન્ય વાહનચાલકો તથા રાહદારીઓ પણ માનસિક ત્રાસ સહન કરે છે. ત્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિંગ્નલો બંધ હોય ત્યારે બિન જરૂરી હોર્ન વગાડતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. હવે આવા વાહનચાલકો સામે દંડનિય કાર્યવાહી કરાશે.
સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ, હવે બિનજરૂરી હોર્ન વગાડનારા વાહનચાલકોને રૂપિયા 500થી લઈને 1,000 સુધીનો દંડ વસુલવામાં આવશે.
શહેર ટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી એસ.આર.ટંડેલએ જણાવ્યું હતું કે, શહેરમાં લોકો જાણતા-અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભેલા અન્ય વાહનચાલકો પરેશાન થાય છે. ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય, તેમ છતાં પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે. આવા વાહનચાલકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો. જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને આઇડેન્ટિફાય કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે. જોકે, પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
સુરત શહેર ટ્રાફિક પોલીસ હવે માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર રાખશે. આ પગલાંથી લોકોને રાહત મળે અને શહેરીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે.


