1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ
અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ

અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકો પર PM-FCT પ્રોજેક્ટ માટે ડેટા મેપિંગનું નવું કાર્યભારણ

0
Social Share
  • શિક્ષકો સરની કામગીરીમાં રોકાયેલા છે. ત્યાં નવી જવાબદારી સોંપાતા અસંતોષ,
  • પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ કરવું પડશે,
  • 20મી ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ સામે શિક્ષકોમાં કચવાટ

ગાંધીનગર: શિક્ષકો પર શિક્ષણ ઉપરાંત કામનું ભારણ વધી રહ્યુ છે. શિક્ષકોને બાળકોને ભણાવવા કરતા અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી રહી છે. હાલ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકો મતદાર યાદી સુધારણા (સર)ની કામગીરી કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ માટે વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગનું કામ પણ શિક્ષકોને સોંપાતા અસંતોષ ઊભો થયો છે.

ગુજરાતમાં શિક્ષકો પર બિન શૈક્ષણિક કાર્યોનો ભાર વધતો જાય છે. ભણતર સિવાય મતદાર યાદી સુધારણા, સર્વેક્ષણ, શાળા સંબંધિત રાજકીય–પ્રશાસનિક તાકીદીઓ વચ્ચે હવે કેન્દ્ર સરકારના નવા ‘પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ’ (PM-FCT) પ્રોજેક્ટ માટે શિક્ષકોને વિદ્યાર્થીઓના બર્થ સર્ટિફિકેટ મુજબ વિગતવાર મેપિંગ કરવાની જવાબદારી સોંપાતા શિક્ષકોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ માત્ર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓના 13થી 14 લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ 20 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષકોમાં ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકાર PM-FCT પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહી છે, જેમાં બાળકના જન્મથી લઈને તેની કિશોરાવસ્થા સુધી આરોગ્ય, પોષણ, તથા સામાજિક સુરક્ષા સંબંધિત સમગ્ર ડેટાનો એક જ પ્રવેશ બનાવી શકાય તે હેતુ છે. આ માટે બાળકના જન્મપ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાના એડમિશન, સર્ટિફિકેટ આ ત્રણેય સત્તાધિકારી સંસ્થાઓના ડેટાને એક ઉમદા રેકોર્ડમાં સાંકળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલેથી જ ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’ (CTS) કાર્યરત છે. હવે આ સિસ્ટમને PM-FCT સાથે સમન્વયિત કરવા શિક્ષકોને ક્લાસ–વાઇઝ દરેક વિદ્યાર્થીની વિગતો ચકાસી, તેના જન્મના પ્રમાણપત્રમાં દર્શાવેલી તમામ વિગતો જિલ્લો, તાલુકો, ગામ, જન્મ સ્થળ, જન્મ તારીખ એકસરખી ધરાવી મેળ રાખીને મેપિંગ કરવાની રહેશે.

સૂત્રોના કહેવા મુજબ મતદાર યાદીની બે–બે એન્ટ્રીઓ, બોગસ એન્ટ્રી દૂર કરવાની કામગીરી અને વિવિધ શૈક્ષણિક–પ્રશાસનિક કામગીરીઓ પહેલેથી જ શિક્ષકોને પ્રેશરમાં છે. હવે PM-FCT પ્રોજેક્ટનું મેપિંગ કામ પણ તેમના માથા ઉપર મુકાતા શિક્ષકોમાં અસંતોષ વ્યાપ્યો છે. શિક્ષક સંઘોના પ્રતિનિધિઓનું માનવું છે કે સરકાર શિક્ષકોને ‘સર્વજ્ઞ સેવા અધિકારી’ સમજી લે છે, જ્યારે આ કામો શિક્ષણના મુખ્ય હેતુને અસર પહોંચાડે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code