નડિયાદ તા. 25 ડિસેમ્બર 2025: Youth dies after wall collapses સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા શ્રમિક યુવાનનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને કાટમાળમાં દટાયેલા શ્રમિક યુવાને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ ગંભીર ઈજાને લીધે હોસ્પિટલ સારવાર માટે લઈ જવાય તે પહેલા મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન મકાનની એક દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધસી પડતા કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ 33 વર્ષીય અમિતભાઈ મહિડા નામનો શ્રમિક દીવાલના ભારેખમ કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય શ્રમિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. શ્રમિકોએ ભારે જહેમત ઉઠાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને અમિતભાઈને બહાર કાઢ્યા હતા. જોકે, દીવાલનો કાટમાળ સીધો શરીર પર પડતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે અમિતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એક આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.


