સુરત, 28 ડિસેમ્બર 2025: dangerous stunt on Mercedes car, youth detained by police શહેરમાં વાહનો પર સ્ટંટ કરીને નબીરાઓ દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-અલથાન રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લૂ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે મર્સિડીઝ કારચાલક નબીરાની અટકાયત કરી છે.
સોશિયલ મીડિયામાં વિડિયો મુકવા માટે શહેરમાં રાતના સમયે નબીરાઓ દ્વારા વાહનો પર જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવાનો ક્રેઝ વધતો જાય છે. પોલીસ પણ જોખમી સ્ટંટ કરનારા વાહનચાલક નબીરાઓનો પાઠ ભણાવી રહી છે. શહેરના અલથાણ પોલીસે વાઇરલ વીડિયો આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નબીરાએ ફુલ સ્પીડમાં કાર હંકારી રોડ પર સીનસપાટા કર્યા હતા અને એનો વીડિયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. કારના સાઇલન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટંટ કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાત્રિના સમયે એક નબીરો પોતાની બ્લૂ રંગની મર્સિડીઝ કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. તેણે જાહેર માર્ગને પોતાની અંગત માલિકીની જાગીર સમજીને કારને ફુલ સ્પીડમાં હંકારી હતી. એટલું જ નહીં, મહાવીર યુનિવર્સિટીની બરાબર સામે જ તેણે કારને 360 ડિગ્રીમાં લગભગ ચારવાર ગોળ-ગોળ ફેરવી (ડ્રિફ્ટિંગ) ભયાનક સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન ટાયર ઘસાવાનો અવાજ અને કારની ગતિ એટલી તીવ્ર હતી કે જો કોઈ અન્ય વાહનચાલક ત્યાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આથી અલથાણ પોલીસે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કારચાલક જય દાવરાની અટકાયત કરી છે. રાત્રે બેથી ચાર વાગ્યાના અરસામાં જાહેર માર્ગ પર જોખમી રીતે રીલ બનાવવા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.


