અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Then Collector Rajendra Patel arrested in Surendranagar land scam સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડમાં કથિત સંડાવાયેલા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓએ રાજેન્દ્ર પટેલની આશરે ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. હવે આરોપી રાજેન્દ્ર પટેલને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાંડની માગ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ઈડીની કાર્યવાહીને પગલે રાજ્ય સરકારે કલેકટર રાજેન્દ્ર પટેલની ટ્રાન્સફર કરી દીધી હતી.
આ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ઈડીની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં પૂછપરછ બાદ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ રૂપિયા એક કરોડની લાંચ લીધી હતી અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ હતા. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું.
દિલ્હીથી આવેલી EDની સ્પેશિયલ ટીમે ગઈ તા. 23 ડિસેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. ઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે.


