1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં આંતરરાજ્ય ગેન્ગનો સરદાર રહેમાન ડકેટને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
સુરતમાં આંતરરાજ્ય ગેન્ગનો સરદાર રહેમાન ડકેટને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

સુરતમાં આંતરરાજ્ય ગેન્ગનો સરદાર રહેમાન ડકેટને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

0
Social Share

સુરત, 11 જાન્યુઆરી 2026:  દેશભરની પોલીસને હંફાવનારો કૂખ્યાત આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને શહેરની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. શહેરમાં કોઈ ગુનોને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે શહેરના લાલગેટ વિસ્તારમાંથી ખૂંખાર આરોપીને ઝડપી લીધો હતો. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો રહેમાન ડકેટ ઉર્ફે રાજુ ઈરાનીએ નકલી સીબીઆઈ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, જીવતા સળગાવવાના પ્રયાસ અને MCOCA જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.

શહેરના ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ‘ઈરાની ડેરા’ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, તે સુરતમાં આવ્યો છે. આ બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ અનેક રહસ્યો ખુલવા માંડ્યા છે. તે ભોપાલમાં ‘રહેમાન ડકેત’ના નામથી પ્રખ્યાત છે. આરોપી છેલ્લાં 13થી 14 વર્ષથી અમન નગર સોસાયટીમાં રહે છે તે અલગ-અલગ છ ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર છે. તે અને તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવી જીવન જીવે છે અને આર્થિક રીતે ખૂબ સધ્ધર છે. તેઓ મોંઘી લક્ઝરી કાર અને બાઈક રાખવાના શોખીન છે. આ ગેંગના સભ્યો નકલી CBI ઓફિસર બનીને અથવા ધાર્મિક સાધુનો વેશ ધારણ કરીને લોકોને છેતરવાના અને રોબરીના અનેક કેસોમાં સંડોવાયેલો છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ આરોપી રહેમાન ડકેટની કુંડળી ખોલતા કહ્યુ હતું કે, આ ગેંગની કાર્યપદ્ધતિ મુજબ દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે, જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે. રાજુ ઈરાની અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં 6થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ છે, જે અંગે તેની પૂછપરછ ચાલી રહી છે. રાજુ ઈરાનીનું નેટવર્ક 14 જેટલા રાજ્યોમાં ફેલાયેલું છે. તે એક રાજ્યમાં ગુનો કરીને જો તેનું નામ ખુલે તો તરત જ બીજા રાજ્યમાં નાસી જતો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code