1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત એરપોર્ટ પર બેંગકોક જતા બે યુવાનો પાસેથી 6 કરોડના હીરા-ડોલર મળતા ધરપકડ
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા બે યુવાનો પાસેથી 6 કરોડના હીરા-ડોલર મળતા ધરપકડ

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા બે યુવાનો પાસેથી 6 કરોડના હીરા-ડોલર મળતા ધરપકડ

0
Social Share

સુરત, 11 જાન્યુઆરી 2026:   સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોક જતા બે પ્રવાસી યુવાનોના લગેજની તપાસ દરમિયાન રૂપિયા 6 કરોડના હીરા અને ડોલર મળી આવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બન્ને યુવાનની ધરપકડ કરી છે. બન્ને પ્રવાસી યુવાનો પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના પોલિશ્ડ ડાયમંડ અને 30 હજાર અમેરિકન ડોલર મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાના આધારે બંનેને અટકાવી તપાસ કરતા તેમની બેગમાંથી આ કિંમતી જથ્થો મળી આવ્યો હતો, જેને હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને ચોક્કસ બાતમી મળી હતી કે બે યુવાનો મોટી માત્રામાં કિંમતી હીરા અને વિદેશી ચલણ લઈને બેંગકોક જવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે સુરત એરપોર્ટ પરિસરમાં વોચ ગોઠવવામાં આવી હતી. જેવા બંને યુવાન એરપોર્ટ પર પહોંચ્યા, અધિકારીઓએ તુરંત જ તેમને કોર્ડન કરી લીધા હતા. તેમની પાસે રહેલી બેગની તલાશી લેતા અંદરથી ચાલાકીપૂર્વક છુપાવેલા હીરાના પેકેટ અને ડોલરની નોટો મળી આવી હતી. બંને યુવાન પાસેથી 3-3 કરોડના હીરા અને 15-15 હજાર ડોલર જપ્ત કરાયા છે. તપાસનીશ એજન્સીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી હવાલાના માધ્યમથી વિદેશમાં નાણાં મોકલવાને બદલે હવે ડાયમંડ અને વિદેશી ચલણ સીધું લઈ જવાની મોડસ ઓપરેન્ડીમાં વધારો થયો છે. દર મહિને એકાદ-બે કિસ્સા એવા બને છે, જેમાં સુરત એરપોર્ટથી બેંગકોક કે અન્ય દેશોમાં કિંમતી હીરાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા હીરા અને ડોલરનો મુખ્ય ઉદ્દેશ્ય કરચોરી અને પ્રતિબંધિત વ્યવહારો હોવાનું મનાય છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને આશંકા છે કે, આ સમગ્ર પ્રકરણ પાછળ કાળા નાણાંને બ્લેક એન્ડ વ્હાઈટ કરવાનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, સુરતથી ગેરકાયદેસર રીતે હીરા અને ડોલર વિદેશમાં મોકલીને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારબાદ, તે રકમ વિદેશથી ભારતના બેંક ખાતાઓમાં કાયદેસરની આવક તરીકે પરત મોકલવામાં આવે છે. આમ કરવાથી વિદેશી રોકાણ અથવા નિકાસની આવક બતાવીને કાળા નાણાંને ચોપડે કાયદેસર બનાવી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code