અમદાવાદ 22 જાન્યુઆરી 2026: ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર પણ વધશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના કહેવા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે માવઠું પડવાની શક્યતા છે. ત્રણેય જિલ્લામાં યલો ઍલર્ટ અપાયુ છે. વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે. જેમાં રાજસ્થાનના 6 જિલ્લામાં આજે ગુરુવારે માવઠાની આગાહી છે.
ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા આગામી બે દિવસ ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધશે. આજે અમદાવાદમાં 16.8 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાનના આગાહીકારના કહેવા મુજબ ગુજરાતમાં 21થી 26 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.


