1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢમાં CAનું અપહરણ કરીને 60 લાખની ખંડણી માગી, પોલીસે CAને મુક્ત કરાવ્યા
જૂનાગઢમાં CAનું અપહરણ કરીને 60 લાખની ખંડણી માગી, પોલીસે CAને મુક્ત કરાવ્યા

જૂનાગઢમાં CAનું અપહરણ કરીને 60 લાખની ખંડણી માગી, પોલીસે CAને મુક્ત કરાવ્યા

0
Social Share

જુનાગઢ, 26 જાન્યુઆરી 2026: શહેરમાં સીએ તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માંગવામાં આવતા અને આ બનાવની જાણ કરાતા પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી. અને પોલીસે અપહરણકારોનું પગેરૂ દબાવીને ફિલ્મીઢબે પીછો કર્યો હતો, દરમિયાન જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો સીએને ઉતારીને નાશી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ સીએનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અપહરણકાર જય ઓડેદરા અને તેના સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે,  માણાવદરના બોડકા ગામના વતની અને ખેતીકામ કરતા યશભાઈ શાંતિભાઈ મારુના બનેવી મિલનભાઈ ચૌહાણ જૂનાગઢમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની (સીએ) ઓફિસ ધરાવે છે. ગત તા. 23/01/2026ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મિલનભાઈ ઘરે આવવાનું કહી ઓફિસેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહોતા. મોડી રાત સુધી તેમનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન રાત્રે 12:24 વાગ્યે મિલનભાઈના જ ફોન પરથી સાળા યશભાઈને ફોન આવ્યો હતો, જેમાં મિલનભાઈએ ભયભીત અવાજે જણાવ્યું હતું કે જય ઓડેદરા નામનો શખ્સ તેમને ઉપાડી ગયો છે.અપહરણકર્તાઓએ મિલનભાઈ પાસે ફોન કરાવીને માંગણી કરી હતી કે, “આવતીકાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજો અને પોલીસમાં ફરિયાદ કરતા નહીં.” એટલું જ નહીં, આરોપી જય ઓડેદરા સાથેના અન્ય એક શખ્સે ફોન લઈને ધમકી આપી હતી કે, જો લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ. આ ધમકી બાદ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

 ફરિયાદ મળતાની સાથે જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી જાણ્યું કે અપહરણકર્તાઓ મિલનભાઈને જામનગર તરફ લઈ ગયા છે. પોલીસના વધતા દબાણને કારણે આરોપીઓ ભોગ બનનારને છોડીને નાસી છૂટ્યા હતા. મિલનભાઈ જામનગર પાસેથી સુરક્ષિત મળી આવ્યા છે. જોકે, મુખ્ય સૂત્રધાર જય ઓડેદરા અને તેની સાથેના અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે કમર કસી છે. પોલીસ દ્વારા આરોપીઓના આશ્રયસ્થાનો અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે.

ભોગ બનનારના પરિવારના જણાવ્યા અનુસાર આજથી પાંચેક મહિના પહેલા જય ઓડેદરા અને હાર્દિક ઓડેદરા નામના શખ્સો સાથે લોનના નાણાં બાબતે મિલનભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ જ જૂની અદાવત રાખીને જય ઓડેદરાએ પોતાના સાથીદારો સાથે મળીને ખંડણી વસૂલવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હોવાનું જણાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code