જુનાગઢ, 27 જાન્યુઆરી 2026: જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા GIDCમાં ‘અલ્પા સ્ટીલ’ નામની લોખંડની પેઢી બંધ હતી ત્યારે 140ની પૂરફાટ ઝડપે આવેલી કાર પેઢીના બંધ શટર્સ તોડીને દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના સીસીટીવીના કૂટેજ પણ વાયરલ થયા છે. કારની સ્પીડ એટલી હતી કે, સ્પીડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો હતો. શટર, દીવાલ અને નજીકમાં પડેલા ખાટલાના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. સદનસીબે પેઢી બંધ હોય અને નજીકમાં કોઈ વ્યકિત હાજર ન હોવાના કારણે જાનહાની ટળી હતી. અકસ્માતમાં કારના આગળના ભાગના પણ ફૂરચા નીકળી ગયા હતા. લોકોએ ગંભીર રીતે ઘાયલ થયેલા કારચાલકને સારવાર માટે ખસેડ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, કેશોદના સોંદરડા જીઆઈડીસીમાં ‘અલ્પા સ્ટીલ’ નામની લોખંડની પેઢી આવેલી છે. રવિવારની રજા હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક ઓછો હતો અને પેઢી પણ બંધ હતી. દરમિયાન રાજકોટ પાસિંગની એક ‘બલેનો’ કાર પૂરપાટ ઝડપે આવી હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ અલ્પા સ્ટીલના શટર તોડીને દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારના દરવાજા લોક થઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારનો દરવાજો તોડીને ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ભયાનક ગતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. અકસ્માત બાદ કારમાં સ્પિડોમીટરનો કાંટો 140 પર અટકી ગયો હતો. કાર અથડાવાને કારણે દુકાનનું શટર અને દીવાલ તૂટી ગયા હતા અને મોટું નુકસાન થયું છે.


