વડોદરા, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતના વધુ એક બનાવમાં બેના મોત નિપજ્યા હતા. વડોદરાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે વહેલી સવારે જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ હાઈવે સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ અથડાતા બેના પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 10 પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા નેશનલ હાઈવે 48 પર ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5થી વધુ લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોમાં હિંમતભાઈ સુખાભાઈ દેવીપૂજક (ઉંમર વર્ષ 50, રહે. લીલાપુર ગામ, જસદણ, રાજકોટ) અને મોહમ્મદ રફીક શેખ (ઉંમર વર્ષ 39, રહે. રોનકપાર્ક ડુપ્લેક્સ, શાહઆલમ, અમદાવાદ)નો સમાવેશ થયા છે.
કરજણ ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ બસમાંથી પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 10 પ્રવાસીઓને ઈજાએ થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર અપાઈ રહી છે. આ અકસ્માતને લઈ ફાયર, પોલીસ અને 108ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


