1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ
અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ

અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ

0
Social Share

અંબાજી, 30 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે શુક્રવારથી ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. ‘બોલ માડી અંબે’ જય અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં ભાગ લેનારનો જોમજુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની રમઝટ બોલાવાઈ રહી છે.

 શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 સુધી ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખો માઈભક્તોના સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ 2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ નિર્મિત છે. ₹62 કરોડના ખર્ચે બનેલા આ માર્ગ પર માઈભક્તો પદયાત્રા અને પરિક્રમાના સંગમથી ધન્યતા અનુભવી રહ્યા છે. ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શેષનાગ ગુફા ગબ્બર કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે. ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે.

અંબાજીમાં આજે સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પરિક્રમાનો શુભારંભ થયો હતો. સાધુ-સંતોના આશીર્વચન અને આનંદ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આવતી કાલે શનિવારે  ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રા. શક્તિપીઠ સંકુલોમાં પવિત્ર ‘શક્તિ યાગ’ (યજ્ઞ) અને પરિક્રમા સ્પર્ધા યોજાશે. તેમજ રવિવારે જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન કરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code