સુરેન્દ્રનગર, 03 માર્ચ 2026: Demand for pots increases with the onset of summer માત્ર ગામડાંઓ નહીં શહેરોમાં પણ ફ્રિઝ હોવા છતાંયે ઠંડા પાણી માટે ઘેર ઘેર માટલાંઓ હોય છે. ઘણાબધા લોકો ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ ફ્રિઝને બદલે માટલાંનું પાણી જ પીતા હોય છે. ત્યારે ઉનાળામાં માટલાંની માગ સૌથી વધુ રહેતી હોય છે. આમ તો દરેક વિસ્તારમાં માટલાં બનાવવામાં આવતા હોય છે, પણ સુરેન્દ્રનગરના વઢવાણના માટલાં વખણાય છે. ઉનાળાની સીઝનના આરંભના બે મહિના પહેલા જ માટલાં બનાવવામાં આવી રહ્યા છે. આ વખતે દેશી માટલાની કિંમતમાં વધારો થતા લોકોને ઠંડા પાણી માટે ખીસ્સા ગરમ રાખવા પડશે.
ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વઢવાણના માટલાંની ખરીદી પણ વધી રહી છે, માત્ર વઢવાણ શહેરના લોકો જ નહીં પણ બહારગામના લોકો પણ માટલાંની ખરીદી માટે આવતા હોય છે. આ વખતે માટલાંની કિંમતમાં વધારો થયો છે. બળતણના લાકડા, કોલસાના ભાવ વધ્યા તથા વાહનમાં ભરીને માટી દૂર દૂરથી લાવવી પડતી હોવાથી પ્રતિ માટલાંની કિંમતમાં રૂ. 10થી 50નો ભાવ વધારો થયો છે. વઢવાણ શહેરના પ્રખ્યાત માટલાઓના વેચાણ- ખરીદી શરૂ થઈ છે. આ અંગે વર્ષોથી માટલા બનાવતા અને વેચતા કરશનભાઈ પાટડીયાએ કહ્યુ હતુ. કે, હાલ ડબલ ઋતુને કારણે ફ્રીઝના ઠંડા પાણીની આરોગ્ય પર અસર થાય છે. પરંતુ માટીના માટલાનું પાણી શરીર માટે હાનીકારક નથી. હાલ રૂ.50થી માંડીને રૂ.૩૦૦ સુધીના માટલા, કોઠીઓનું વેચાણ થઈ રહ્યુ છે. જ્યારે થાન સિરામીક અને ઉત્તર ગુજરાતના માટલા અને કોઠીઓ પણ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ દેશી માટલાની માગ સૌથી વધુ હોય છે.
ઉનાળાના આગમન પહેલા શિયાળામાં જ માટલાઓ બનાવવાનો પ્રારંભ કરી દેવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં માટી ખૂબ જ ઠંડી બની જાય છે. આથી ઠંડી માટીના માટલાઓ બનાવવામાં આવે છે. અને ઉનાળામાં માટલાંને પકવવામાં આવે છે. આવા માટલાઓની માંગ વધુ રહેતી હોય છે.


