લખતર, 18 મે 2026: Pickup van catches fire રાજ્યમાં વાહનોમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલી ડાંગરના પૂળાં ભરેલી એક પીકઅપ વાનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી પીકઅપ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.
આ બનાવની વિગત એવી છે કે, લખતર-વિરમગામ હાઈવે પર આવેલા ઓળક ગામના પાટિયા (માલિકાના પાટિયા) નજીક પહોંચતા જ ડાંગરા પુળાં ભરેલી પીકઅપના આગળના ભાગે અચાનક આગ લાગી હતી. પીકઅપ ચાલક આ વાતથી તદ્દન અજાણ હતો અને ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા અન્ય એક સતર્ક વાહન ચાલકની નજર આગ પર પડતા જ તેણે તુરંત પીકઅપના ડ્રાઈવરને બૂમો પાડીને આગ લાગી હોવાની જાણ કરી હતી.
આગ લાગી હોવાની જાણ થતાં જ પીકવાનના ડ્રાઈવરે સમય સંજોગોને ઓળખીને તુરંત જ પીકઅપ વાનને ઓળક ગામના પાટિયા પાસે રોકી દીધી હતી અને ગાડીમાંથી નીચે ઉતરી ગયો હતો. ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતાં તેનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો હતો, બાદમાં કારના બોનેટ પર ચડી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પવનના કારણે આગ વધુ વિકરાળ બની જતાં પીકઅપ પણ સળગી ગઈ હતી. હાઈવે પર પીકઅપ વાનમાં લાગેલી ભીષણ આગના દ્રશ્યો જોઈને ઓળક ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ પણ દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમ અને સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યાર બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે પીકઅપ ગાડી તેમજ તેમાં ભરેલો ડાંગરના પૂળાંનો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો.
આ અકસ્માતની જાણ થતાં જ લખતર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી તે અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


