ગાંધીનગર, 23 ઓગસ્ટ, 2026 : College librarians now in the academic cadre રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના ગ્રંથપાલોને હવે શૈક્ષણિક કેડરમાં ગણવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોલેજોના ગ્રંથપાલોની જગ્યાને હવે ‘શૈક્ષણિક સંવર્ગ’માં ગણવા માટે સીધી મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ગ્રંથપાલોની લાબા સમયની માગણીનો અંત આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા 19 ઓગસ્ટ, 2026ના મંજૂર પત્રમાં રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત કોલેજોની ગ્રંથપાલની જગ્યાઓને શૈક્ષણિક જગ્યાઓ ગણવા અંગે મંજૂરી આપવામાં આવી છે. વિભાગના પત્રમાં જણાવ્યા મુજબ, સંબંધિત દરખાસ્ત અને અગાઉના વિવિધ સરકારી તથા UGCના ઠરાવો/પરિપત્રોના સંદર્ભમાં સમગ્ર બાબતની વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રંથપાલોને ‘શૈક્ષણિક સંવર્ગ’માં ગણવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. આ મંજૂરી બાદ જરૂરી વહીવટી કાર્યવાહી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવશે.
કોલેજમાં પુસ્તકાલય અને શૈક્ષણિક સંશોધન સંબંધિત કામગીરીમાં ગ્રંથપાલોની મહત્વની ભૂમિકા હોય છે. હવે તેમની જગ્યાને શૈક્ષણિક સંવર્ગ સાથે જોડવામાં આવતા ગ્રંથપાલોના હોદ્દા અને શૈક્ષણિક જવાબદારી અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. પત્રમાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણય સંબંધિત ફાઇલ પર શિક્ષણ મંત્રીની 11 ઓગસ્ટ, 2026ની નોંધથી મળેલી મંજૂરીના આધારે આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર મંજૂરી આપતાં હવે આગળની પ્રક્રિયા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીને કાર્યવાહી કરવાની રહેશે.


