રાજકોટ, 4 સપ્ટેમ્બર, 2026 : RTO collects fine of Rs 63.34 lakh for 2027 traffic violations આરટીઓ દ્વારા શહેરી વિસ્તાર તેમજ હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરીને ટ્રાફિક નિયમોના ભંગ માટે વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવતો હોય છે. ગત મહિના દરમિયાન રાજકોટ આરટીઓએ વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2017 જેટલા કેસો કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી દંડ અને ટેક્ષ પેટે કુલ ₹63,34,808ની મોટી રકમની વસૂલાત કરવામાં આવી હતી.
રાજકોટ આરટીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌથી વધુ દંડની રકમ ઓવરલોડ વાહનો પાસેથી વસૂલવામાં આવી હતી. ઓવરલોડ વાહનોના 193 કેસોમાં રૂ.24,07,000નો દંડ કરાયો હતો, જ્યારે ઓવર ડાઈમેન્શન ધરાવતા 123 કેસોમાં રૂ.6,89,000ની વસૂલાત થઈ હતી. આ ઉપરાંત અકસ્માત માટે કારણભૂત ગેરકાયદે વ્હાઈટ LED હેડલાઈટ લગાવવા બદલ 529 કેસો નોંધી રૂ.5,29,000નો દંડ વસૂલાયો હતો. આ સાથે જ રિફ્લેક્ટર કે રેડિયમ પટ્ટી વગરના 249 વાહનો સામે કાર્યવાહી કરી રૂ.2.49 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ ટેક્ષ બાકી હોય તેવા 17 કિસ્સામાં રૂ.1,91,808 અને ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશન હેઠળ 42 કેસોમાં રૂ.4.20 લાખની વસૂલાત થઈ હતી. ખાનગી વાહનોનો ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ, પરમિટ કે વે બિલ ભર્યા વિના માલસામાનની હેરાફેરી અને બોગસ દસ્તાવેજો દ્વારા વાહન રજીસ્ટ્રેશન જેવા કિસ્સાઓમાં ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અંગે તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટ માસમાં ડ્રાઈવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા 185 ચાલકો સામે રૂ.5.55 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ સિવાય ફ્ટિનેસ પ્રમાણપત્ર વિના દોડતા 161 વાહનો પાસેથી રૂ.8.05 લાખ, પી.યુ.સી. (PUC) વિનાના 237 કેસોમાં રૂ.1,18,500 અને થર્ડ પાર્ટી વીમા વિનાના 128 વાહનો પાસેથી રૂ.2.56 લાખની વસૂલાત કરાઈ છે.


