અમદાવાદ, 4 સપ્ટેમ્બર, 2026 : Gram Sevaks agitate for resolution of pending issues રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવકોના વણઉકલ્યા પ્રશ્નો અંગે સરકારને અવાર-નવાર રજુઆત કરવા છતાંયે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામસેવક મહામંડળે સરકારને 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. આ સમયગાળામાં પ્રશ્નોનો લેખિત ઉકેલ નહીં આવે તો ગ્રામસેવકો દ્વારા બિનઅધિકૃત કામગીરીનો બહિષ્કાર કરી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
ગ્રામ સેવક મહામંડળના અગ્રણીઓના જણાવ્યા મુજબ ગ્રામ્ય સ્તરે સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી લઈને સર્વે, ઓનલાઇન એન્ટ્રી, વિવિધ પ્રકારના રિપોર્ટ, પ્રમાણપત્ર સંબંધિત કામગીરી સહિતની જવાબદારીઓ ગ્રામસેવકો પર સતત વધતી રહી છે. તેની સામે ગ્રામસેવકોની સંખ્યા અને તેમને ઉપલબ્ધ સાધનોમાં જરૂરી વધારો કરવામાં આવ્યો નથી.અનેક વિસ્તારોમાં 8થી 10 ગામ વચ્ચે માત્ર એક જ ગ્રામસેવક પાસેથી કામગીરી કરાવવામાં આવી રહી છે. એકસાથે અનેક ગામોની જવાબદારી હોવાથી ગ્રામસેવકો માટે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવી મુશ્કેલ છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સાથે દૈનિક વહીવટી અને ડિજિટલ કામગીરીનો પણ સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ગ્રામસેવકો પર કામનું ભારણ વધી રહ્યું છે.
મહામંડળે ગ્રામસેવકોને કામગીરી માટે જરૂરી સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે. જો સરકાર દ્વારા આ સાધનો ઉપલબ્ધ કરાવવાનું શક્ય ન હોય તો તેની સામે યોગ્ય એલાઉન્સ આપવાની પણ માગ કરવામાં આવી છે. મોટાભાગની કામગીરી હવે ઓનલાઇન અને ડિજિટલ બની રહી છે. આવી સ્થિતિમાં જરૂરી ટેક્નિકલ સાધનો પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવીને કામગીરી કરવી પડે છે, જેના કારણે કર્મચારીઓ પર વધારાનો આર્થિક બોજ પણ પડે છે.
ગ્રામસેવક મહામંડળે પોતાના વિવિધ પડતર પ્રશ્નોનો લેખિત અને સમયબદ્ધ ઉકેલ લાવવાની સરકાર સમક્ષ રજૂઆત કરી છે. માત્ર મૌખિક ખાતરીને બદલે સરકાર તરફથી લેખિતમાં કાર્યવાહી અને ઉકેલની ખાતરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 7 દિવસમાં સરકાર તરફથી લેખિત ઉકેલ નહીં આવે તો બિનઅધિકૃત કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.


